ભરૂચના રતન તળાવમાં માછલીઓના મોત:દુર્ગંધ ફેલાતા આસપાસના સ્થાનિકોને ભારે હાલાકી; પાણીના નમૂનાઓની તપાસ, સફાઈ માટે પગલાં લેવાની માંગ
ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આ ઘટનાથી શહેરમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. તળાવના વિકાસ માટે અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહેલી કામગીરી વચ્ચે આ બનાવ બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દુર્ગંધ અને પ્રદૂષણને કારણે આરોગ્ય સંબંધિત જોખમો ઊભા થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. નાગરિકોનો આક્ષેપ છે કે, કેમિકલયુક્ત ગંદુ પાણી તળાવમાં ભળવાને કારણે જળચરો મૃત્યુ પામી રહ્યા છે. અગાઉ પણ આ જ તળાવમાં કાચબાના મોતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ મામલે નાગરિકોએ નગર સેવા સદનને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ પીયૂષ પટેલ અને પર્યાવરણપ્રેમીઓએ તંત્ર પાસે પાણીના નમૂનાઓની તાત્કાલિક તપાસ, પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ અને તળાવની સફાઈ માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, "અમને તેની જાણ થઈ છે. હાલમાં મૃત માછલીઓ બહાર કાઢી તેની સફાઈ કરાવીશું. સાથે જ કયા કારણોથી માછલીઓના મોત થયા છે તેની તપાસ કરાવીશું."
Read Original Article →