રેલવે સ્ટેશન પર ડિજિટલ લાઉન્જ અને સુવિધા સ્ટોરનું ઉદ્ઘાટન:રેલવે દ્વારા રૂ. 500 કરોડથી વધુના ખર્ચે નર્મદા નદી પર નવો બ્રિજ બનાવાશે, સ્ટેશનનો વિકાસ
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન પર મુસાફરોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે એક પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત સ્ટેશન પર નવા વિકસિત ડિજિટલ લાઉન્જ અને સુવિધા સ્ટોરનું ઉદ્ઘાટન સાંસદ મનસુખ વસાવાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિભાગીય રેલવે મેનેજર રાજુ ભડકે, અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીઆરએમ રાજુ ભડકેએ જણાવ્યું હતું કે, ભરૂચ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. વડોદરા સ્ટેશનની જેમ અહીં પણ ડિજિટલ લાઉન્જ શરૂ કરાશે, જ્યાં મુસાફરોને ઓછા ખર્ચે ચા-નાસ્તા સહિતની સુવિધાઓ મળશે. આ ઉપરાંત, પશ્ચિમ રેલવેનું પ્રથમ કન્વીનિયન્સ સ્ટોર પણ ભરૂચ સ્ટેશન ખાતે શરૂ થશે, જ્યાં મુસાફરી દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ એમઆરપીના દરે ઉપલબ્ધ રહેશે. મુસાફરોની અવરજવર સરળ બનાવવા માટે નવા ફૂટ ઓવરબ્રિજ અને પેસેન્જર લિફ્ટની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બંને પ્રોજેક્ટ્સનું કામ વર્ષ 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ભવિષ્યમાં 24 કોચની લાંબી ટ્રેનો સરળતાથી ઊભી રહી શકે તે માટે પ્લેટફોર્મનું વિસ્તરણ પણ હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં નર્મદા નદી પર આવેલા ઐતિહાસિક સિલ્વર રેલવે બ્રિજ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 1934માં બ્રિટિશ શાસનકાળ દરમિયાન નિર્માણ પામેલો આ બ્રિજ લગભગ 92 વર્ષથી રેલવે સેવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે, હવે તેની આયુષ્ય મર્યાદા પૂર્ણ થવા જઈ રહી હોવાથી તેના સ્થાને નવો અત્યાધુનિક રેલવે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. રેલવે દ્વારા રૂ. 500 કરોડથી વધુના ખર્ચે નર્મદા નદી પર નવો સીધો રેલવે બ્રિજ બનાવવામાં આવશે. હાલ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જો તમામ પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ થશે, તો વર્ષ 2027 દરમિયાન બ્રિજના નિર્માણનું ગ્રાઉન્ડ વર્ક શરૂ થવાની સંભાવના છે. નવા બ્રિજની સાથે ભરૂચ રેલવે યાર્ડ અને હાલ વળાંકમાં આવેલા પ્લેટફોર્મનું પણ રિમોડેલિંગ કરવામાં આવશે. ટ્રેકને વધુ સીધો અને આધુનિક બનાવવાના કારણે ભવિષ્યમાં ટ્રેનોની ગતિમાં નોંધપાત્ર વધારો શક્ય બનશે. વધુમાં, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાદ ભરૂચમાંથી ટ્રેનો 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ શકે તેવી વ્યવસ્થા વિકસાવવામાં આવશે. અમૃત ભારત યોજના હેઠળ હાથ ધરાઈ રહેલા આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ ભરૂચ રેલવે સ્ટેશન માત્ર દક્ષિણ ગુજરાતનું મહત્વનું જંકશન જ નહીં, પરંતુ આધુનિક સુવિધાઓથી સજ્જ એક મોડેલ રેલવે સ્ટેશન તરીકે પણ ઉભરી આવશે.
Read Original Article →