ભરૂચમાં વિદ્યાર્થી સન્માન અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો:કુરેશી ફાઉન્ડેશન અને જમીઅતુલ કુરેશ દ્વારા શૈક્ષણિક કિટ, પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સિદ્ધિઓ બિરદાવાઈ
ભરૂચ ખાતે ઓલ ઇન્ડિયા જમીઅતુલ કુરેશ અને કુરેશી તાલીમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી સન્માન સમારોહ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી અને સ્પર્ધાત્મક યુગમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના અગ્રણી અને S.TAT આચાર્ય મોહમ્મદ ઇબ્રાહીમ મોહમ્મદ ઇશાકે જણાવ્યું હતું કે, કુરેશી તાલીમ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો અને યોગ્ય માર્ગદર્શન દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહાયરૂપ થવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, યોગ્ય માર્ગદર્શનના અભાવે ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે. આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડીને સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવાનો સંસ્થાનો સંકલ્પ છે. આ પ્રથમ શૈક્ષણિક પહેલ અંતર્ગત કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. જેમાં માસ્ટર ડિગ્રી (એમ.કોમ./એમ.એ.)ના 3, ધોરણ-12 કોમર્સ અને સાયન્સ પ્રવાહના 10, તેમજ ધોરણ-10ના 15 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ, પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરીને તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આયોજકોએ ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી ક્ષેત્રો, રોજગારીની તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી યોજનાઓ અંગે સતત માર્ગદર્શન પૂરું પાડવા માટે નિયમિત કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં રફિક એહમદ આદમ પટેલ અને માટલીવાલા સ્કૂલના પૂર્વ ટ્રસ્ટી ઐયુબ પટેલ સહિત સમાજના અગ્રણીઓ, વાલીઓ, શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલને બિરદાવી હતી.
Read Original Article →