ભરૂચમાં DGVCLનું મેગા ચેકિંગ, 25 વીજચોરી ઝડપાઈ:31 ટીમે 1080 જોડાણ તપાસી 40 લાખનો દંડ ફટકાર્યો
ભરૂચ જિલ્લાના નબીપુર, હિંગલ્લા અને પારખેત ગામોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા વીજચોરી અટકાવવા માટે વહેલી સવારે મેગા ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં કુલ 25 વીજચોરી ઝડપાઈ હતી અને અંદાજે 40 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ સાથે DGVCLની 31 ટીમોએ ગામોમાં સઘન તપાસ શરૂ કરી હતી. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રચાયેલી આ ટીમોએ ત્રણેય ગામોના અલગ અલગ વિસ્તારોમાં એકસાથે તપાસ હાથ ધરી હતી. સવારે 11 વાગ્યા સુધી ચાલેલી આ કામગીરીમાં કુલ 1080 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 25 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ અને વીજચોરીના કિસ્સાઓ સામે આવ્યા હતા. ઝડપાયેલી વીજચોરીમાં ડાયરેક્ટ લંગરિયા, મીટરમાં ચેડાં અને ગેરકાયદેસર કનેક્શન જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. DGVCL દ્વારા આ ગ્રાહકો સામે અંદાજે 40 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેગા ચેકિંગ ઓપરેશનને કારણે વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. વિભાગે આગામી દિવસોમાં પણ આવી સઘન કાર્યવાહી ચાલુ રાખવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
Read Original Article →