ભરૂચમાં ઓછી વજનવાળી સગર્ભા માતાઓને પ્રોટીન કીટ વિતરણ:'સ્વસ્થ માતા-સ્વસ્થ બાળક' અભિયાન હેઠળ 150 માતાઓને અપાઈ પોષણ કીટ
ભરૂચના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબના MIPRIC હોલ ખાતે ઇનર વ્હીલ ક્લબ ભરૂચ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સગર્ભા મહિલાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મુનીરા શુક્લાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં 42 કિલોથી ઓછું વજન ધરાવતી આશરે 1,658 સગર્ભા માતાઓ નોંધાઈ છે. આ પૈકી ભરૂચ તાલુકાની 388 માતાઓમાંથી શહેરી વિસ્તારની 150 માતાઓને આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવી છે. આ માતાઓને 250 ગ્રામના ત્રણ પ્રોટીન પેકેટ ધરાવતી ન્યુટ્રિશન કીટ આપવામાં આવી રહી છે. આ કીટ ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી પોષણ પૂરું પાડવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સગર્ભા માતાઓ અને જન્મનાર બાળકનું સ્વાસ્થ્ય સુધારવાનો છે. ગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવવા માટે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા જાગૃતિ નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. નાટક દ્વારા માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર અને કાળજી અંગે અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે સગર્ભા માતાઓને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ માતાઓને સ્વસ્થ ગર્ભાવસ્થા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મુનીરા શુક્લા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુનીલ સિંગ, ઇનર વ્હીલ ક્લબ ભરૂચના પ્રમુખ યજ્ઞા ત્રિવેદી સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, ક્લબના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →