ભરૂચ-નર્મદામાં 850 કેમિસ્ટો પ્રતીકાત્મ બંધમાં જોડાયા:ઇ-ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ સામે વિરોધ

Gujarat5/20/2026, 6:09:48 AM
ભરૂચ-નર્મદામાં 850 કેમિસ્ટો પ્રતીકાત્મ બંધમાં જોડાયા:ઇ-ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ સામે વિરોધ
ભરૂચ અને નર્મદા જિલ્લાના દવા વેપારીઓએ બુધવારે (20 મે) એક દિવસીય પ્રતીક બંધ પાળી ઇ-ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણનો વિરોધ કર્યો હતો. આ બંધમાં અંદાજિત 850 દુકાનદારો જોડાયા હતા. 'ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન' અને 'ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ'ના આહ્વાન હેઠળ આ બંધ યોજાયો હતો. ભરૂચ-નર્મદા જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, ઇ-ફાર્મસી કંપનીઓ પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટિક અને શિડ્યુલ-H દવાઓનું વેચાણ કરી રહી છે, જે આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. શાહે ચિંતા વ્યક્ત કરી હતી કે આવી ગેરરીતિઓને કારણે યુવાનોમાં નશાની લત વધવાની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓનલાઇન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ અને બોગસ પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ જેવી પ્રવૃત્તિઓ પણ વધી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોરોના સમયગાળા દરમિયાન આપવામાં આવેલા ખાસ નોટિફિકેશનનો કેટલાક ઇ-ફાર્મસી સંચાલકો દુરુપયોગ કરી રહ્યા છે. કેમિસ્ટોએ ગેરકાયદેસર ઓનલાઇન દવા વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની અને ઇ-ફાર્મસી પર નિયંત્રણ લાવવાની માંગ કરી હતી. આ પહેલા પણ ત્રણ વખત વિરોધ નોંધાવવામાં આવ્યો હોવા છતાં સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા કેમિસ્ટોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે, સામાન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને દવાઓના વેચાણ માટે છૂટ આપવામાં આવી હોવાનું એસોસિએશન દ્વારા જણાવાયું હતું.
Read Original Article →