ભરૂચના નારાયણનગરમાં રૂ.1.62 લાખના દાગીનાની ચોરી:પરિવાર ધાબા પર સૂતો હતો ને અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું

Gujarat6/6/2026, 2:42:38 AM
ભરૂચના નારાયણનગરમાં રૂ.1.62 લાખના દાગીનાની ચોરી:પરિવાર ધાબા પર સૂતો હતો ને અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું
ભરૂચ શહેરના નારાયણનગર-2 વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં તિજોરી તોડી રૂ.1.62 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. પરિવાર ધાબા પર સૂતો હતો ત્યારે અજાણ્યા ચોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે ભરૂચ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી અમિત ગોહીલ અને તેમનો પરિવાર 2 જૂનની રાત્રે ઘરના ધાબા પર સૂતો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યો હતો. બીજા દિવસે વહેલી સવારે પરિવારના સભ્યો નીચે આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો અને ઘરમાં રાખેલી તિજોરીઓ ખુલ્લી હતી. તપાસ કરતાં તિજોરીના લોકરમાંથી સોનાની ચેઇન, બુટ્ટી, લક્કી, પેન્ડલ, વીંટી, જડ તેમજ ચાંદીની લક્કી અને પાયલ સહિત કુલ રૂ.1.62 લાખના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં ભરૂચ શહેર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →