ભરૂચમાં 'નલ સે જલ' યોજનામાં પાંચ વર્ષે પણ પાણી નહીં:ધારાસભ્યની ખાતરી, 3-4% કામ બાકી; ટૂંક સમયમાં મળશે પાણી
ભરૂચ તાલુકાના નંદેલાવ, રાહડપોર, ચાવજ અને ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારોમાં ગુજરાત સરકારની મહત્ત્વાકાંક્ષી 'નલ સે જલ' યોજના હેઠળ ઘરે ઘરે મીઠું પાણી પહોંચાડવાની કામગીરી વર્ષો પહેલા શરૂ થઈ હતી. પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાની જવાબદારી વાસ્મો એજન્સીને સોંપવામાં આવી હતી. જોકે, યોજના શરૂ થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં, આજે પણ અનેક વિસ્તારોમાં લોકોને ઘરે ઘરે મીઠું પાણી મળી રહ્યું નથી. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ યોજના સંપૂર્ણપણે કાર્યરત ન થતાં સ્થાનિકોમાં વ્યાપક રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ વિધાનસભાના નવ ગામોને પીવાનું મીઠું પાણી પૂરું પાડવા માટે ચાવજ ખાતે સંપ અને પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી છે. ચાવજથી વિવિધ ગામોમાં પાણી પહોંચાડવાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે. ધારાસભ્યના મતે, માત્ર ત્રણથી ચાર ટકા કામગીરી બાકી રહી છે. ભરૂચ અને અમલેશ્વર વચ્ચે નર્મદા યોજના બ્રાન્ચ કેનાલ ક્રોસ કરીને પાઇપલાઇન જોડાણ કરવાની કામગીરી બાકી છે. એસ.એન.એલ.ની પરવાનગી ન મળવાના કારણે આ કામગીરીમાં વિલંબ થયો હતો. ધારાસભ્યએ ખાતરી આપી હતી કે નજીકના ભવિષ્યમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ કરીને લોકોને ઘરે ઘરે મીઠું પાણી પહોંચાડવામાં આવશે.
Read Original Article →