ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે તવાઈ:પાંચ દિવસમાં₹1.65 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત; શુક્લતીર્થ, જંબુસર સહિતના વિસ્તારમાં સપાટો

Gujarat6/3/2026, 2:28:34 PM
ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે તવાઈ:પાંચ દિવસમાં₹1.65 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત; શુક્લતીર્થ, જંબુસર સહિતના વિસ્તારમાં સપાટો
ભરૂચ જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા ગેરકાયદે ખનન અને ખનિજ વહન સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મે મહિનાના છેલ્લા સપ્તાહથી 1 જૂન સુધી કરવામાં આવેલી આકસ્મિક તપાસમાં રૂ. 1.65 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જંબુસર તાલુકાના ડાભા ગામની સીમમાં સાદી માટીના ગેરકાયદે ખનન અને વહન કરતા એક ડમ્પર અને એક એક્સકેવેટર મશીનને સીઝ કરવામાં આવ્યા હતા. આ મુદ્દામાલ ગજેરા ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 40 લાખ છે. લુવારા ગામ ખાતે તપાસ દરમિયાન એક ડમ્પરમાંથી 13.32 મેટ્રિક ટન સાદી રેતી મળી આવી હતી. આ વાહન સીઝ કરીને રૂ. 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 30 મેના રોજ ગજેરા ગામની સીમમાં ગેરકાયદે ખનન કરતા બે ડમ્પર અને એક જેસીબી-થ્રીડીએક્સ મશીનને સીઝ કરીને વેડચ પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં રૂ. 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઉમલ્લા-પાણેથા રોડ પર ચેકિંગ દરમિયાન ત્રણ ડમ્પરમાંથી કુલ 53 મેટ્રિક ટન સાદી રેતી મળી આવી હતી. આ વાહનો સીઝ કરીને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા હતા, જેનો અંદાજિત મુદ્દામાલ રૂ. 30 લાખ છે. 1 જૂનના રોજ શુક્લતીર્થ વિસ્તારમાં તપાસ દરમિયાન 35 મેટ્રિક ટન સાદી રેતી ભરેલું એક ડમ્પર ઝડપી પાડીને સીઝ કરાયું હતું. આ કાર્યવાહીમાં રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા સતત હાથ ધરવામાં આવી રહેલી આ કાર્યવાહીને કારણે જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનિજના બિનઅધિકૃત વહનમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે તેવા સંકેતો મળ્યા છે.
Read Original Article →