ભરૂચના કબીરવડમાં મામા-ભાણેજ નર્મદા નદીમાં ડૂબ્યા:મામાની લાશ મળ્યા બાદ 8 કલાકની શોધખોળના અંતે ભાણેજનો પણ મૃતદેહ મળ્યો, પરિવારમાં શોક

Gujarat5/20/2026, 10:40:39 AM
ભરૂચના કબીરવડમાં મામા-ભાણેજ નર્મદા નદીમાં ડૂબ્યા:મામાની લાશ મળ્યા બાદ 8 કલાકની શોધખોળના અંતે ભાણેજનો પણ મૃતદેહ મળ્યો, પરિવારમાં શોક
ભરૂચના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ કબીરવડ ખાતે નર્મદા નદીમાં સ્નાન કરવા ઉતરેલા મામા-ભાણેજ ડૂબી જવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં બંનેના મૃતદેહ મળી આવ્યા છે, જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં રહેતા 20 વર્ષીય અમિત વાઘેલા પાસે સુરત જિલ્લાના કોસાડ ગામનો તેમનો 7 વર્ષીય ભાણેજ રાજ રાજેશભાઈ વાઘેલા ઉનાળાની રજાઓ ગાળવા આવ્યો હતો. ગરમીથી રાહત મેળવવા મામા-ભાણેજ કબીરવડ ફરવા ગયા હતા અને બપોરના સમયે નર્મદા નદીમાં ન્હાવા ઉતર્યા હતા. નદીમાં ન્હાતી વખતે નાનો રાજ અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હતો. ભાણેજને બચાવવા માટે અમિતભાઈ તરત જ પાણીમાં આગળ વધ્યા, પરંતુ પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાને કારણે બંને નદીમાં ગરકાવ થઈ ગયા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો, નાવિકો અને માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો કબીરવડ દોડી આવ્યા હતા. ગત સાંજે લાંબી શોધખોળ બાદ અમિતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે 7 વર્ષીય રાજની શોધખોળ રાતભર ચાલુ રાખવામાં આવી હતી. આજે બીજા દિવસે ભરૂચ પાલિકાના ફાયર વિભાગની ટીમે લગભગ 8 કલાક સુધી નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે ફાયર વિભાગના જવાનો અને તરવૈયાઓને રાજનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કબીરવડ યાત્રાધામ ખાતે અનેક સ્થળોએ થતા ગેરકાયદેસર રેતી ખનનના કારણે નદીમાં ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે નદી વધુ જોખમી બની છે. આ દુર્ઘટના પાછળ રેતી ખનન જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમિતભાઈએ તાજેતરમાં જ ધોરણ-12 પાસ કર્યું હતું અને તેઓ કોલેજ જીવનની નવી શરૂઆત કરવા આતુર હતા.
Read Original Article →