ભરૂચમાં ઇન્ડિયન રોક પાયથોનનું રેસ્ક્યૂ:મકતમપુર વિસ્તારમાંથી વન વિભાગની ટીમે 7 ફૂટ લાંબો અજગર પકડ્યો, સલામત સ્થળે છોડશે

Gujarat4/8/2026, 4:17:09 AM
ભરૂચમાં ઇન્ડિયન રોક પાયથોનનું રેસ્ક્યૂ:મકતમપુર વિસ્તારમાંથી વન વિભાગની ટીમે 7 ફૂટ લાંબો અજગર પકડ્યો, સલામત સ્થળે છોડશે
ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન (અજગર) દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તારની એકદમ નજીક મહાકાય અજગર આવી ચઢતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. જોકે, વન વિભાગ અને સ્થાનિક સર્પમિત્રોની સતર્કતાને કારણે અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અજગર દેખાતા વનવિભાગને જાણ કરાઈ મકતમપુર વિસ્તારમાં અચાનક અજગર દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સર્પમિત્ર યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ યોગેશ મિસ્ત્રી અને તેમની ટીમના રમેશ દવે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા RFO એ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ રેસ્ક્યૂ સફળ અજગરને જોવા માટે ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ભીડ અને અજગરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ટીમે અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી. અજગર કદમાં મોટો હોવાથી તેને કાબૂમાં લેવા માટે ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંતે અજગરને સહીસલામત પકડી લેવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કુદરતી આવાસમાં મુક્ત કરાશે રેસ્ક્યૂ કરવામાં આવેલા ઇન્ડિયન રોક પાયથોનને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, અજગરના સ્વાસ્થ્યની તપાસ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગની અપીલ કોઈપણ જંગલી જાનવર કે સાપ દેખાય ત્યારે તેની છેડતી કરવી નહીં. પ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવવું અને તાત્કાલિક વન વિભાગ અથવા નિષ્ણાત સર્પમિત્રોનો સંપર્ક કરવો.
Read Original Article →