કબીરવડમાં મામા-ભાણેજ નર્મદા નદીમાં ડૂબ્યા:ભાણેજને બચાવવા જતા મામા પણ પાણીમાં ગરકાવ થયા, મામાનો મૃતદેહ મળ્યો

Gujarat5/19/2026, 1:35:16 PM
કબીરવડમાં મામા-ભાણેજ નર્મદા નદીમાં ડૂબ્યા:ભાણેજને બચાવવા જતા મામા પણ પાણીમાં ગરકાવ થયા, મામાનો મૃતદેહ મળ્યો
ભરૂચના કબીરવડ ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાથી મામા-ભાણેજ ગુમ થયા હતા. આ ઘટના બપોરના સમયે બની હતી. મોડી સાંજે મામાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ભાણેજની શોધખોળ ચાલુ રહી હતી. ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં રહેતા 20 વર્ષીય અમિત લખાભાઈ વાઘેલા પાસે સુરત જિલ્લાના કોસાડ ગામનો તેમનો 7 વર્ષીય ભાણેજ રાજ રાજેશભાઈ વાઘેલા ઉનાળાની રજાઓ ગાળવા આવ્યો હતો. ગરમીથી રાહત મેળવવા મામા-ભાણેજ કબીરવડ ફરવા ગયા હતા. ત્યાં બપોરના સમયે બંને નર્મદા નદીમાં ન્હાવા ઉતર્યા હતા. ન્હાતી વખતે નાનો રાજ અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હતો. ભાણેજને બચાવવા માટે મામા અમિત વાઘેલા તરત જ પાણીમાં આગળ વધ્યા હતા. જોકે, પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાને કારણે બંને નદીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો, નાવિકો અને માછીમારો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો કબીરવડ દોડી આવ્યા હતા. મોડી સાંજ સુધી તરવૈયાઓ અને માછીમારો દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સાંજે લગભગ છ વાગ્યાના અરસામાં અમિત વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે રાજની શોધખોળ મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે કબીરવડ યાત્રાધામના વિકાસ કામ દરમિયાન ખોદાયેલા ઊંડા ખાડાઓને કારણે નદીનું પાણી વધુ જોખમી બન્યું છે. આ કારણે જ આવી દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમિત વાઘેલાએ તાજેતરમાં જ ધોરણ-12 પાસ કર્યું હતું અને તેઓ કોલેજ જીવનની શરૂઆત કરવાના હતા.
Read Original Article →