700 વર્ષ જૂની જુમ્મા મસ્જિદમાંથી દેવી-દેવતાની પ્રાચિન મૂર્તિઓ મળી!:4 માર્ચનો વીડિયો વાયરલ; ભોંયરામાંથી મળી હોવાનો દાવો, સ્વામીએ કહ્યું-કૂવાની તપાસ કરો, વધુ પુરાવા મળશે
ભરૂચ શહેરની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતી 700 વર્ષ જુની જુમ્મા મસ્જિદ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. જુમ્મા મસ્જિદમાંથી દેવી-દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવી હોવાનો દાવો કરતો એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો માર્ચ મહિનામાં ઉતારેલો હોવાનું સામે આવ્યું છે. મસ્જિદના વર્ષોથી બંધ રહેલા ભોંયરામાં પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથ સહિત હિન્દુ દેવી-દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાનો સ્વામી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે. વિવાદ વચ્ચે પુરાતત્વ વિભાગે તપાસ હાથ ધરી હતી
છેલ્લા કેટલાક મહિનાઓથી સંતો-મહંતો તેમજ વિવિધ હિન્દુ અને જૈન સંગઠનો દ્વારા મસ્જિદના ઐતિહાસિક મૂળ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ રજૂઆતો અને વિવાદ વચ્ચે પુરાતત્વ વિભાગે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વર્ષોથી બંધ રહેલા ભોંયરાની તપાસ હાથ ધરી હતી. પ્રતિમા પર સંવત 1213નો ઉલ્લેખ
માહિતી મુજબ તપાસ દરમિયાન ભોંયરામાંથી ભગવાન મલ્લિનાથની એક પ્રાચીન પ્રતિમા મળી આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રતિમા પર સંવત 1213નો ઉલ્લેખ જોવા મળ્યો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત મસ્જિદના કેટલાક થાંભલાઓ અને સ્થાપત્યમાં જૈન તથા હિન્દુ પરંપરાની કોતરણીઓ અને શિલ્પાકૃતિઓ પણ જોવા મળતી હોવાનું કહેવાઈ રહ્યું છે. સમગ્ર તપાસની વીડિયોગ્રાફી કરીને અહેવાલ ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યો હોવાનો પણ દાવો કરાયો છે. જુમ્મા મસ્જિદનું મૂળ સ્વરૂપ જૈન સમરી વિહારઃ મુક્તાનંદ સ્વામી
આ અંગે ભરૂચના નવચોકી ઓવારા સ્થિત શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, જુમ્મા મસ્જિદનું મૂળ સ્વરૂપ જૈન સમરી વિહાર હોવાનું અને તે શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનું લાંબા સમયથી તેઓ રજૂ કરતા આવ્યા છે. ભોંયરામાંથી મળેલી મૂર્તિઓ તેમના દાવાને મજબૂત બનાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભોંયરાના અન્ય ભાગો તેમજ કૂવાના વિસ્તારમાં પણ વધુ તપાસ કરવામાં આવે તો અન્ય પુરાવાઓ મળી આવવાની સંભાવના છે. મસ્જિદના ટ્રસ્ટીઓએ દાવાઓને ફગાવ્યાં
અગાઉ જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓએ આ પ્રકારના દાવાઓને ફગાવ્યાં હતા. ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર આ ઐતિહાસિક મસ્જિદ વર્ષ 1907થી સરકારી ગેઝેટમાં નોંધાયેલી છે તેમજ વકફ બોર્ડ હેઠળ નોંધાયેલા ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. કેટલાક તત્વો દ્વારા બિનજરૂરી વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મામલે કાનૂની સલાહ લેવામાં આવી રહી હોવાનું પણ ટ્રસ્ટીઓએ ઉમેર્યું હતું. વિવાદનું મૂળ ઇતિહાસ સાથે જોડાયેલું
હિન્દુ અને જૈન સંગઠનોનો દાવો છે કે, 13મી સદી દરમિયાન મૂળ જૈન મંદિરને નુકસાન પહોંચાડીને તેના પર મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના સ્તંભો પર આજે પણ જૈન પરંપરાની પ્રાચીન કોતવણી જોવા મળે છે. જ્યારે મુસ્લિમ સમાજનો પક્ષ છે કે અહીં સદીઓથી નિયમિત રીતે નમાજ અદા કરવામાં આવી રહી છે અને આ સ્થળ મસ્જિદ તરીકે જ ઓળખાય છે. હાલમાં આ ઐતિહાસિક ઇમારતની મૂળ ઓળખને લઈને બંને પક્ષો આમને-સામને આવી ગયા છે. દરમિયાન, મસ્જિદ પરિસરમાં બિનઅધિકૃત બાંધકામો અને સુવિધાઓ અંગે પણ પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. હવે પુરાતત્વ વિભાગના સત્તાવાર અને અંતિમ અહેવાલ બાદ જ આ ઐતિહાસિક ઇમારત અંગે આગળની વહીવટી અને કાનૂની કાર્યવાહીનો માર્ગ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલો તપાસ, પુરાતત્વીય પુરાવાઓ અને કોર્ટના સંભવિત નિર્ણય પર નિર્ભર હોવાથી ભરૂચ સહિત રાજ્યભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જુમ્મા મસ્જિદમાં મંજૂરી વિનાનું વધારાનું બાંધકામ દૂર કરાયું
જુમ્મા મસ્જિદને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કેટલાક સંગઠનો દ્વારા મસ્જિદનું સ્થળ પ્રાચીન જૈન સ્મારક અથવા જૈન સમરી વિહાર અને ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાનો દાવો કરવામાં આવતા મામલો ચર્ચામાં રહ્યો હતો. આ મુદ્દે વિવિધ સ્તરે રજૂઆતો, વિરોધ અને આંદોલનો પણ થયા હતા. આ દરમિયાન તાજેતરમાં પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્મારક વિસ્તારમાં જરૂરી મંજૂરી લીધા વગર વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. તપાસ બાદ નિયમો અનુસાર વધારાના બનાવવામાં આવેલા વજુ ખાનાના બાંધકામને દૂર કરાયું હતું. આ કામગીરી દરમિયાન મસ્જિદના પાછળના ભાગે આવેલા એક વિવાદિત દરવાજાને પણ સીલ કરવામાં આવ્યો હતો. આજથી પાંચ મહિના પહેલા સંતો અનશન પર ઉતર્યાં હતા
ભરૂચની જુમ્મા મસ્જિદમાં ચક્રધર સ્વામીના જન્મસ્થળના વિવાદ મુદ્દે આજથી પાંચ મહિના પહેલા સંતો અનશન પર ઉતર્યાં હતા. સમિતિએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસોના આક્ષેપ સાથે ઉપવાસ કર્યા હતા. સંત સમિતિએ જે તે આરોપ કર્યો હતો કે, નિયમોનું ઉલ્લંઘન કરીને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વિરોધ નોંધાવવા, સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે ઉપવાસ કરાયા હતા. સંતોએ સરકાર અને પુરાતત્ત્વ વિભાગને નિયમોનું કડક પાલન કરાવવા તથા રાષ્ટ્રીય ધરોહરની મૂળ ઓળખ જાળવવા તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી હતી. જોકે, એસપીએ હૈયાધારણા આપતા અંતે અનશન છોડ્યા હતા અને પારણાં કર્યા હતા.
Read Original Article →