ભરૂચ જિલ્લામાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી:મસ્જિદોમાં વિશેષ નમાઝ સાથે એકમેકને પાઠવી ઈદની મુબારકબાદી
ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોની મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી 'ઈદ મુબારક' પાઠવી ખુશીઓ વ્યક્ત કરી હતી. ઈદ-ઉલ-અઝહા પર્વ ઇસ્લામ ધર્મના પયગંબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ અલેહી સલામની કુરબાનીની યાદમાં ઉજવાય છે. આ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા કુરબાનીની ધાર્મિક વિધિ પણ અદા કરવામાં આવી હતી. તહેવાર નિમિત્તે અનેક મુસ્લિમ પરિવારો પોતાના મરહુમ સ્વજનોને યાદ કરવા કબ્રસ્તાન પહોંચ્યા હતા. ત્યાં તેમણે કબર પર ફૂલ ચડાવી ફાતિયા પઢી દુઆ કરી હતી. સાંજના સમયે પરિવારો શહેરના હરવા-ફરવાના સ્થળોએ ઉમટી પડ્યા હતા, જેના કારણે વિવિધ વિસ્તારોમાં તહેવારી માહોલ જોવા મળ્યો હતો. ઈદના પર્વ દરમિયાન જિલ્લામાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મુસ્લિમ વિસ્તારો અને મસ્જિદોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Read Original Article →