ભરૂચનો ગોલ્ડન બ્રિજ 145 વર્ષ પૂર્ણ:લોખંડનો સામાન અને મોટી ગડરોને લીધે ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું; હેરિટેજ જાળવણી માટે નાગરિકોની માગ
ભરૂચ શહેરને અંકલેશ્વર સાથે જોડતો અને નર્મદા નદી પર ગૌરવપૂર્વક ઉભેલો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ આજે પોતાની 145મી વર્ષગાંઠ નિમિત્તે ફરી ચર્ચામાં આવ્યો છે. અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવાયેલો આ પોલાદનો પુલ માત્ર વાહન વ્યવહારનું સાધન નહોતો, પરંતુ ભરૂચની ઓળખ અને ઇજનેરી વારસાનું જીવંત પ્રતિક માનવામાં આવે છે. અંગ્રેજ ઈજનેર સર જોન હોક્શોની ડિઝાઈન મુજબ 7 ડિસેમ્બર 1877ના રોજ પુલની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 16 મે 1881ના રોજ તે પૂર્ણ થયો હતો. આશરે રૂ. 45.65 લાખના ખર્ચે બનેલો આ રિવેટેડ જોડાણ ધરાવતો પોલાદનો પુલ તે સમયની અદભૂત ઇજનેરી કળાનો નમૂનો ગણાય છે. નર્મદા નદીના પ્રવાહ અને અનેક કુદરતી પડકારો વચ્ચે પણ આ પુલ દાયકાઓ સુધી મજબૂતીથી ઉભો રહ્યો હતો. હેરિટેજ કેટેગરીમાં સમાવાયેલ ગોલ્ડન બ્રિજને વર્ષ 2025ના જાન્યુઆરી મહિનામાં તેની જર્જરીત હાલત અને સુરક્ષા કારણોસર બંને છેડે દરવાજા લગાવી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે પુલ બંધ થયા બાદ એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેની યોગ્ય જાળવણી અને સંરક્ષણ માટે કોઈ ખાસ કામગીરી ન થતા નાગરિકોમાં નિરાશા ફેલાઈ છે. 145મી વર્ષગાંઠના પ્રસંગે ભરૂચના જાગૃત નાગરિક અને શિક્ષક દિગ્વિજયસિંહ ઝાલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નર્મદા પર સોનાની કિંમતમાં બનેલો આ ગોલ્ડન બ્રિજ આજે પણ ભરૂચના સ્વાભિમાન તરીકે ઉભો છે. અંકલેશ્વર તરફથી બ્રિજનું સૌંદર્ય આજે પણ નિહાળી શકાય છે, પરંતુ ભરૂચ બાજુએ રેલ્વે કામગીરી દરમિયાન મૂકાયેલા લોખંડના સામાન અને મોટા ગડરોથી ત્યાં પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર બ્રિજ બંધ કરી દેવું એ ઉકેલ નથી. હેરિટેજ તરીકે તેની જાળવણી, સફાઈ, લાઇટિંગ અને પ્રવાસન સાથે જોડાય તેવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તો ગોલ્ડન બ્રિજ ફરી ભરૂચની ઓળખ તરીકે જીવંત બની શકે. સ્થાનિક નાગરિકોમાં પણ એવી લાગણી જોવા મળી રહી છે કે, ગોલ્ડન બ્રિજને માત્ર એક જૂનો પુલ નહીં પરંતુ ભરૂચની ઐતિહાસિક ધરોહર તરીકે સાચવવાની જરૂર છે. આજે 145 વર્ષ પૂર્ણ કરનાર આ વિરાસત સરકાર અને તંત્ર પાસેથી સંવેદનશીલ સંરક્ષણની અપેક્ષા રાખી રહી છે.
Read Original Article →