ભરૂચમાં પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ:સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં તાલીમ કાર્યક્રમમાં 600 અધિકારીઓ જોડાયા
ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ બની છે. આ અંતર્ગત, ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ બે સેશનમાં યોજાયો હતો. જેમાં અંદાજે 600 જેટલા પોલિંગ સ્ટાફે ભાગ લીધો અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. પ્રથમ સેશન સવારે 11થી 1 દરમિયાન યોજાયું હતું, જ્યારે બીજું સેશન બપોરે 3થી 5 દરમિયાન યોજાનાર છે. તાલીમ દરમિયાન, પોલિંગ ઓફિસરોને મતદાન મથક પર કરવાની વિવિધ કામગીરી અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. તેમને ઈવીએમ મશીનના યોગ્ય ઉપયોગ અને મતદાન પ્રક્રિયા દરમિયાન અનુસરવાની માર્ગદર્શિકાઓ વિશે પ્રાયોગિક માહિતી પણ અપાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા આવા તાલીમ કાર્યક્રમોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ભરૂચ શહેર મામલતદાર નિકુંજ સાલવેએ તમામ મતદારોને 26 એપ્રિલે સવારે 7થી સાંજના 6 વાગ્યા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
Read Original Article →