ભરૂચમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું:વડાપ્રધાનની અપીલ બાદ લોકોનો ઝુકાવ વધ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની અપીલનો સકારાત્મક પ્રભાવ હવે ભરૂચ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આવેલી વિવિધ ઇલેક્ટ્રિક વાહન શોરૂમમાં ગ્રાહકોની અવરજવર અને વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ભરૂચના એક ઇલેક્ટ્રિક મોપેડ શોરૂમના સંચાલક જૈમિન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે. વડાપ્રધાનના આહવાન બાદ લોકો વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રિક મોપેડ ખરીદવા આગળ આવી રહ્યા છે. અગાઉ દર મહિને 5 થી 7 ઇલેક્ટ્રિક મોપેડનું વેચાણ થતું હતું, જે હાલમાં વધીને 10 થી 12 સુધી પહોંચી ગયું છે. મોટી સંખ્યામાં ગ્રાહકો દ્વારા ઇન્કવાયરી પણ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક મોપેડનો ખર્ચ સામાન્ય લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. આ મોપેડનો ખર્ચ અંદાજે 30 પૈસા પ્રતિ કિલોમીટર જેટલો આવે છે, જેના કારણે પેટ્રોલના વધતા ખર્ચ સામે લોકો માટે આ સસ્તો અને ટકાઉ વિકલ્પ બન્યો છે. ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી પર્યાવરણ પ્રદૂષણમાં ઘટાડો થતો હોવાથી લોકોમાં પણ જાગૃતિ વધી રહી છે. શોરૂમ પર આવેલા એક ગ્રાહક ધવલ પિલ્લાઈએ જણાવ્યું હતું કે, તેઓ પહેલા પેટ્રોલ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા હતા. પરંતુ હાલની પેટ્રોલની પરિસ્થિતિ અને વડાપ્રધાનના આહવાનને ધ્યાનમાં રાખીને તેમણે ઇલેક્ટ્રિક મોપેડ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ઇલેક્ટ્રિક વાહનો લાંબા ગાળે આર્થિક રીતે પણ ફાયદાકારક હોવાનું તેમણે ઉમેર્યું હતું. ભરૂચ જિલ્લામાં વધતી ઇંધણ કટોકટી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં વધી રહેલી જાગૃતિના કારણે હવે ઇલેક્ટ્રિક વાહનો ભવિષ્યનો મહત્વનો વિકલ્પ બની રહ્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.
Read Original Article →