ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો:ડિમ્પલ રાજ પ્રમુખ, અજીત વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા

Gujarat5/23/2026, 10:06:47 AM
ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો:ડિમ્પલ રાજ પ્રમુખ, અજીત વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા
ભરૂચ જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી આજે કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ડિમ્પલ વિક્રમસિંહ રાજને પ્રમુખ અને અજીત ચીમનભાઈ વસાવાને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના સભા ભવન ખાતે આ ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ નવા સુકાનીઓની પસંદગી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે ઝઘડીયા તાલુકામાંથી રાજપારડી-24 બેઠક પરથી વિજેતા થયેલા ડિમ્પલ વિક્રમસિંહ રાજના નામ પર ભાજપે મેન્ડેટ જાહેર કર્યું હતું. જ્યારે ઉપપ્રમુખ પદ માટે અજીત ચીમનભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. બંને ઉમેદવારોએ ગતરોજ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આજ રોજ નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભાજપના ડિમ્પલ વિક્રમસિંહ રાજના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના કુલ વિજેતા સભ્યોમાંથી ભાજપના 26 સભ્યોએ હાથ ઊંચા કરી ડિમ્પલ રાજને સમર્થન આપ્યું હતું. બીજી તરફ, આમ આદમી પાર્ટી તરફથી પ્રમુખ પદ માટે નર્મદાબેન નરેશભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી હતી, પરંતુ તેમને માત્ર 5 મત મળ્યા હતા. આમ, 26 મત સાથે ડિમ્પલ વિક્રમસિંહ રાજને આગામી અઢી વર્ષ માટે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઉપપ્રમુખ પદ માટે પણ ભાજપના અજીત ચીમનભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. અજીત ચીમનભાઈ વસાવાને ભાજપના 26 સભ્યોના મત મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના અનિલભાઈ ભરતભાઈ વસાવાને 5 મત મળ્યા હતા. આથી, અજીત ચીમનભાઈ વસાવાને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થતા જ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ નવા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત પક્ષના અગ્રણીઓ, કાર્યકરો અને નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.
Read Original Article →