ભરૂચમાં ગૌવંશ કતલકાંડનો પર્દાફાશ:450 કિલો ગૌમાંસ સાથે 4 આરોપીઓ ઝડપાયા, 7 જીવિત પશુઓને બચાવાયા
ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર કતલનો પર્દાફાશ થયો છે. શહેર બી ડિવિઝન પોલીસે કુરેશી મસ્જિદ પાસેના એક મકાનમાં દરોડો પાડી બે ગૌવંશને કતલ કરાયેલી હાલતમાં શોધી કાઢ્યા હતા. પોલીસે આ મામલે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન કતલ માટે બાંધી રાખેલા 7 જીવિત ગાય-વાછરડાંને પણ બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે નાના ખાટકીવાડ વિસ્તારમાં યુસુફ ઇસ્માઈલ મહંમદ કુરેશીના મકાનમાં ગાયોનું કટીંગ થઈ રહ્યું છે અને નજીકની ખુલ્લી જગ્યામાં કતલ માટે ગાયો તથા વાછરડાં બાંધી રાખવામાં આવ્યા છે. આ બાતમીના આધારે પો.સ.ઈ. એમ.ડી. ડાંગર અને તેમની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ ઉપરાંત, ગૌવંશ કાપવા માટે ઉપયોગમાં લેવાતા કુહાડી, મોટા છરા, સળીયા, દોરડા, પ્લાસ્ટિકના થેલા અને લાકડાના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને ત્રણ મોબાઇલ ફોન પણ કબ્જે લીધા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 55,500 આંકવામાં આવી છે. પોલીસે આ મામલે યુસુફ ઇસ્માઈલ મહંમદ કુરેશી, ફરહાન યુસુફ કુરેશી, ફઈમ મોહંમદ જુબેર મરચંટ અને મહંમદ સાદાબ સલીમ કુરેશી સામે ગુનો નોંધ્યો છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બકરી ઈદ નજીક આવતી હોવાથી જિલ્લામાં ગૌમાંસ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →