ભરૂચમાં સમર યોગ કેમ્પ અંતર્ગત માતૃ-પિતૃ વંદના:બાળકોએ માતા-પિતાનું સન્માન કરી આશીર્વાદ લીધા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લામાં નિઃશુલ્ક સમર યોગ કેમ્પ ચાલી રહ્યો છે. આ કેમ્પ અંતર્ગત સંકટ મોચન હનુમાનજી મંદિર, લિંક રોડ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના માતા-પિતાનું સન્માન કર્યું હતું. બાળકોએ માતા-પિતાને કુમકુમ તિલક કરી, ચોખા લગાવી અને ફૂલહાર પહેરાવ્યા હતા. ત્યારબાદ બાળકોએ માતા-પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા અને મીઠાઈ ખવડાવી પ્રેમ તથા આદર વ્યક્ત કર્યો હતો. સમર કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલે કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કાર, પારિવારિક મૂલ્યો અને વડીલો પ્રત્યે આદરભાવનું સિંચન કરવાનો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં માતા-પિતા, દાદા-દાદી અને અન્ય વડીલો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કેમ્પ દરમિયાન સહ-સંચાલક હેમા પટેલ અને હરીતા પટેલ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ, ધ્યાન, સૂર્યનમસ્કાર તેમજ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓનો હેતુ બાળકોમાં શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વિકસાવવાનો છે.
Read Original Article →