ભરૂચમાં બકરી ઈદ પૂર્વે પોલીસનું ફ્લેગ માર્ચ:શાંતિ અને સુરક્ષા જાળવવા તંત્ર સજ્જ
ભરૂચ જિલ્લામાં આવતીકાલે બકરી ઈદનો તહેવાર છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે. આ તૈયારીઓના ભાગરૂપે, આજે ભરૂચ શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફુરજા બંદર વિસ્તારથી શરૂ થયેલી આ ફ્લેગ માર્ચ શહેરના સંવેદનશીલ અને મુખ્ય વિસ્તારોમાં ફરીને નાગરિકોને સુરક્ષાનો સંદેશ આપ્યો હતો. આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ. વસાવા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. ડામોર સહિત અનેક પોલીસ અધિકારીઓ, એસઆરપી જવાનો અને પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસના વાહનો સાથે નીકળેલા આ માર્ચને કારણે શહેરમાં કડક બંદોબસ્તનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા, અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.
Read Original Article →