ભરૂચમાં આહિર મહિલાઓ માટે આત્મનિર્ભરતા સેમિનાર યોજાયો:મહિલા ઔદ્યોગિક સેવા મંડળ અને આહિર સમાજનું સંયુક્ત આયોજન

Gujarat6/3/2026, 11:28:23 AM
ભરૂચમાં આહિર મહિલાઓ માટે આત્મનિર્ભરતા સેમિનાર યોજાયો:મહિલા ઔદ્યોગિક સેવા મંડળ અને આહિર સમાજનું સંયુક્ત આયોજન
ભરૂચના કસક વિસ્તારમાં આવેલા આહિર સમાજ સંકુલ ખાતે આહિર સમાજની મહિલાઓ અને યુવતીઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે એક વિશેષ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું આયોજન ભરૂચ જિલ્લા આહિર સમાજ અને ભરૂચ મહિલા ઔદ્યોગિક સેવા મંડળ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સમાજની 50થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સ્વરોજગારી તેમજ ગૃહ ઉદ્યોગ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી. આયોજકોએ જણાવ્યું કે, આગામી તબક્કામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની 250થી વધુ મહિલાઓને આ અભિયાન સાથે જોડવાનું લક્ષ્ય છે. આ યોજના હેઠળ મહિલાઓને સિલાઈકામ, રસોઈકામ અને અન્ય ગૃહ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ પૂરો પાડવામાં આવશે. મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓને વિવિધ સામાજિક સંસ્થાઓ અને બજારો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ઊભી કરાશે, જેથી તેમને ઘરઆંગણે રોજગારીની તકો મળી રહે. કાર્યક્રમ દરમિયાન મહિલા આગેવાન નીરૂબેન આહિરે જણાવ્યું હતું કે, મહિલાઓને સિવણ તાલીમ, રસોઈકલા અને ગૃહ ઉદ્યોગના ક્ષેત્રમાં માર્ગદર્શન આપી સ્વરોજગાર સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પહેલથી સમાજની દીકરીઓ અને બહેનો પોતાની આવક ઊભી કરી આત્મનિર્ભર બનશે અને સમાજના વિકાસમાં પણ યોગદાન આપી શકશે. આ કાર્યક્રમ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સમાજના આગેવાનો અને ઉપસ્થિત મહિલાઓએ આ પહેલને આવકારી વધુમાં વધુ મહિલાઓને તેનો લાભ લેવા અપીલ કરી હતી.
Read Original Article →