ભરૂચમાં AAPનો મોંઘવારી, ડીઝલ અછત મુદ્દે વિરોધ:સરકારે તાત્કાલિક પગલાં ભરી જનતાની હાલાકી દૂર કરવા માંગ
રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતના વિરોધમાં આજે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા AAP પ્રમુખની આગેવાનીમાં હોદ્દેદારો અને કાર્યકરોએ મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર સુપરત કરી સરકારનું ધ્યાન દોર્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ગુજરાત હાલ ગંભીર આર્થિક અને સાધનસામગ્રીની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. સતત વધતી મોંઘવારી અને રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલ અછતના કારણે ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી રહી છે. AAP દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી કે, વાવણી સીઝન નજીક હોવા છતાં પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળતા ટ્રેક્ટરો બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે. પક્ષે ગ્રામ્ય વિસ્તારોના પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વોટા ફાળવવાની તેમજ ખાતરમાં થયેલો ભાવવધારો પરત ખેંચવાની માંગ કરી હતી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અંગે રજૂઆતમાં જણાવાયું હતું કે, ડીઝલની અછતના કારણે માલવાહક વાહનો હાઇવે પર અટવાઈ રહ્યા છે અને સમયસર ડિલિવરી ન થતા ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે. હાઇવે પરના ઇંધણ સ્ટેશનો પર 24 કલાક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવાની સાથે સપ્લાયમાં થતી ગેરરીતિઓ અટકાવવા વિજિલન્સ તપાસ સમિતિ નીમવાની માંગ પણ કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓની મુશ્કેલીઓ અંગે AAPએ જણાવ્યું હતું કે, ડીઝલ અછત અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાના કારણે શાકભાજી, અનાજ, દૂધ અને ખાદ્યતેલ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. જનતાને રાહત આપવા ઇંધણ પરનો વેટ અને સેસ ઘટાડવા તેમજ કૃત્રિમ મોંઘવારી અને સંગ્રહખોરી રોકવા જિલ્લા સ્તરે ‘પ્રાઈસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ’ કાર્યરત કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આવેદનપત્રના અંતમાં આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી હતી કે, જો સરકાર દ્વારા ત્વરિત અને અસરકારક પગલાં નહીં ભરવામાં આવે તો રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન વધુ પ્રભાવિત થઈ શકે છે. સાથે જ મુખ્યમંત્રીને આ મુદ્દાને સર્વોચ્ચ અગ્રતા આપી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી.
Read Original Article →