ભરૂચમાં AAP ઉમેદવારોને પોલીસ દ્વારા હેરાન કરવાનો આક્ષેપ:પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી SPને રજૂઆત કરવાની જાહેરાત કરી

Gujarat4/12/2026, 9:44:49 AM
ભરૂચમાં AAP ઉમેદવારોને પોલીસ દ્વારા હેરાન કરવાનો આક્ષેપ:પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી SPને રજૂઆત કરવાની જાહેરાત કરી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. AAP એ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે ભરૂચ પોલીસ તેમના ઉમેદવારો, કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને ખોટી રીતે ધમકાવી રહી છે અને હેરાન કરી રહી છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થયા બાદ વિવિધ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરીને પ્રચાર શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લામાં પણ AAP દ્વારા વિવિધ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે અને કાર્યકર્તાઓ લોકશાહી પદ્ધતિથી પ્રચાર કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા AAP ના ઉમેદવારો અને કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસ મથકે બોલાવીને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની કાર્યવાહીથી પક્ષમાં ભય અને દબાણનું વાતાવરણ સર્જાયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. પિયુષ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે દરેક પક્ષને સમાન અધિકાર છે અને કોઈપણ ઉમેદવાર કે કાર્યકર્તા સાથે પક્ષપાતપૂર્ણ અથવા દબાણપૂર્ણ વર્તન કરવું યોગ્ય નથી. પોલીસ તંત્રનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, પરંતુ રાજકીય દબાણ હેઠળ એકતરફી કાર્યવાહી થવી લોકશાહી માટે હાનિકારક છે. આ અંગે આમ આદમી પાર્ટીના લોકસભા પ્રમુખ યાકુબ ગુરજીએ જણાવ્યું હતું કે, તેઓ તેમના ઉમેદવારો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, રવિવાર હોવાથી SP ઉપલબ્ધ ન હોવાથી તેઓ મળી શક્યા ન હતા. ગુરજીએ ઉમેર્યું કે, તેઓ સોમવારે ફરીથી SP ને મળીને ઉગ્ર રજૂઆત કરશે. તેમની માંગ છે કે SP ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને યોગ્ય સૂચના આપે જેથી AAP ના ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે કોઈપણ પ્રકારની ખોટી હેરાનગતિ બંધ થાય. સાથે જ, જો ક્યાંય ખોટા કેસ નોંધાયા હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે.
Read Original Article →