સંતાન ન થતા પરિણીતાને માનસિક ત્રાસ:ભરૂચમાં 181 અભયમે પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું

Gujarat5/23/2026, 3:00:32 PM
સંતાન ન થતા પરિણીતાને માનસિક ત્રાસ:ભરૂચમાં 181 અભયમે પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું
ભરૂચ જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇને સંતાન ન થવાના કારણે માનસિક ત્રાસ ભોગવી રહેલી એક મહિલાને મદદ કરી હતી. ટીમે પતિ-પત્ની વચ્ચે સફળ સમાધાન કરાવી તેમના સંબંધો સુધાર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના એક વિસ્તારમાં આવેલી સોસાયટીમાંથી એક મહિલાએ 181 અભયમ હેલ્પલાઇનમાં મદદ માટે ફોન કર્યો હતો. કોલ મળતા જ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલાની વિગતવાર માહિતી મેળવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું કે, તેઓ ગૃહિણી છે અને તેમના પતિ ડોક્ટર છે, જેઓ ખાનગી લેબ પણ ચલાવે છે. બંનેના બીજા લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. સંતાન ન થવાને કારણે પતિ અને સાસુ દ્વારા તેમને વારંવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા. મહિલાએ વધુમાં ફરિયાદ કરી કે સાસુ ફોન પર સતત ચઢામણી કરતા હતા અને પતિના બીજા લગ્ન કરવાની વાતો પણ કરતા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી હોવા છતાં સાસરીયે લઈ જવા દબાણ કરવામાં આવતું હતું. પતિ દ્વારા ખર્ચ માટે પિયરમાંથી પૈસા લાવવા પણ કહેવામાં આવતું હતું. આ સતત માનસિક ત્રાસ અને દબાણના કારણે મહિલાએ અભયમનો સંપર્ક કર્યો હતો. 181 અભયમ ટીમે પતિને સમજાવ્યું કે, પત્નીની સમયસર અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી છે. સારવાર ચાલુ હોવાથી બિનજરૂરી મુસાફરી કરાવવી યોગ્ય નથી. ટીમે પતિને પત્નીના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી માનસિક સહયોગ આપવા પણ સૂચના આપી હતી. સાસુને પણ મહિલાની પરિસ્થિતિ સમજી સહયોગ આપવા સમજાવવામાં આવ્યા હતા. ટીમે પરિવારને ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસ કાયદાકીય રીતે ગંભીર બાબત હોવાનું જણાવી જરૂરી કાયદાકીય સમજણ આપી હતી. અંતે, અભયમ ટીમના કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી. તેમણે ભવિષ્યમાં પત્ની સાથે સારું વર્તન રાખવા, સારવારમાં સહયોગ આપવા અને માનસિક ત્રાસ ન આપવા લેખિત બાહેંધરી આપી હતી. બંને પક્ષોની સંમતિથી લેખિત સમાધાન કરાવી પતિ-પત્ની વચ્ચે સફળ સમાધાન કરાવવામાં આવ્યું હતું.
Read Original Article →