આણંદ પંચાયત પ્રમુખપદ વિવાદ: ભરૂચ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું:અનામત અધિકારોના રક્ષણ માટે રાજ્યપાલને રજૂઆત કરી

Gujarat5/26/2026, 12:53:29 PM
આણંદ પંચાયત પ્રમુખપદ વિવાદ: ભરૂચ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું:અનામત અધિકારોના રક્ષણ માટે રાજ્યપાલને રજૂઆત કરી
આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખપદના વિવાદ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસના આગેવાનો અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમાજના હકો તથા અનામત અધિકારોના રક્ષણની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ભાજપના ઉમેદવારને પ્રમુખપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પરપ્રાંતીય આદિવાસી પ્રમાણપત્રના આધારે ગુજરાતમાં અનામત પદનો લાભ આપવામાં આવ્યો છે, જે નિયમો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ વિરુદ્ધ છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે, આવા નિર્ણયોને કારણે ભવિષ્યમાં ગુજરાતના SC-ST સમાજના શિક્ષણ, રોજગાર અને રાજકીય પ્રતિનિધિત્વ પર સીધી અસર પડી શકે છે. તેમણે રાજ્યપાલને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી કાયદા મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, આદિવાસી આગેવાન અનિલ ભગત, પાલિકાના સભ્ય જીગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ સહિત મહિલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →