એઆઈ માહિતી આપે, પુસ્તકો સંવેદના આપે:ટેકનોલોજીના યુગમાં પણ પુસ્તકોનો ક્રેઝ

Gujarat5/28/2026, 12:00:00 AM
આજના ડિજિટલ અને સોશિયલ મીડિયાના યુગમાં લોકો અવારનવાર એવી ફરિયાદ કરતા હોય છે કે લોકોમાં હવે વાંચન ઓછું થઈ રહ્યું છે. મોબાઈલના કારણે પુસ્તકો પ્રત્યેની રુચિ ઘટી ગઈ છે. પરંતુ ભરૂચની મધ્યમાં આવેલી જાણીતી કે. જે. ચોકસી પબ્લિક લાયબ્રેરી આ તમામ દલીલોને ખોટી ઠેરવી રહી છે. આ પુસ્તકાલય આગામી 28મી મેના રોજ પોતાના સફળ 18 વર્ષ પૂર્ણ કરીને 19મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, જે ભરૂચના વાચકોની જીવંતતાની મોટી સાબિતી છે. આ ગૌરવશાળી પ્રસંગે લાયબ્રેરીના ગ્રંથપાલે જણાવ્યું હતું કે, “એ વાત સાચી કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોમાંથી નહીં પણ અનુભવમાંથી મળે છે. પરંતુ પુસ્તકો આપણને એ પ્રતીતિ કરાવે છે કે જ્ઞાન શું છે. અક્ષરોમાંથી બનેલા શબ્દો સ્વયં બ્રહ્મ છે. જેઓ વાંચવા નથી માંગતા, તેઓ જ એવી વ્યર્થ દલીલો કરે છે કે એઆઈના કારણે વાંચન સાવ લુપ્ત થઈ ગયું છે. એઆઇ ચોક્કસપણે માહિતી આપી શકે છે, પરંતુ માણસને સંવેદના અને ડહાપણ તો માત્ર પુસ્તકો જ આપી શકે છે. પુસ્તકોનું વર્ચસ્વ સદાકાળ રહેશે.” ઉલ્લેખનીય છે કે, કે. જે. ચોકસી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગૌતમભાઈ કાન્તિલાલ ચોકસી દ્વારા ભરૂચની જનતા માટે વર્ષ 2008માં આ અદ્યતન પુસ્તકાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આજે ૧૮ વર્ષ બાદ પણ આ લાયબ્રેરી હજારો પુસ્તકો અને વાચકોની સંખ્યા સાથે પોતાની સમૃદ્ધિની સ્વયં સાક્ષી પૂરી રહી છે.
Read Original Article →