છેતરપિંડી:જંબુસરના ખાનપુરના વેપારીને દીરહામ આપવાના બહાને 6 લાખની છેતરપિંડી
જંબુસરના ખાનપુર દેહમાં રહેતાં અને દૂધનો વેપાર કરતાં વેપારી સાથે રૂા.6 લાખની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. ગઠિયાઓએ યુએઇનું ચલણ દીરહામ સસ્તા ભાવે આપવાની લાલચે રૂા.6 લાખ પડાવી લીધાં છે. વેપારીને દીરહામના બદલે કાગળની નોટોનું બંડલ પકડાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, 29 એપ્રિલે જંબુસરના ટંકારી ભાગોળ ખાતે એક અજાણ્યા ઇસમએ યુએઇની 100 દિરહામની નોટ બતાવી તે નોટો સસ્તામાં આપવાની ઓફર કરી હતી. આરોપીએ પોતાનું નામ સમસુદ્દીન શેખ જણાવી મોબાઈલ નંબર આપ્યો હતો. ઉમરાહ માટે વિદેશ જવાનું હોવાથી સફીકભાઈએ દિરહામ લેવા રસ દાખવ્યો હતો. ત્યારબાદ આરોપીએ તેમને ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે બોલાવ્યા હતા. ત્યાં આરોપી સાથે આવેલા બે શખ્સોએ બેગમાં 1600 દિરહામની નોટો હોવાનો દાવો કર્યો હતો. બીજા દિવસે સફીકભાઈ રૂપિયા 6 લાખ લઈને પહોંચ્યા હતા. રાજધાની હોટલ પાસે બેગની આપલે થયા બાદ તેઓ ઘરે પહોંચ્યા ત્યારે બેગમાં દિરહામના બદલે ન્યૂઝપેપરની ગડીઓ મળી આવી હતી. બાદમાં આરોપીઓના ફોન સ્વિચ ઓફ આવતા પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણવા મળ્યું હતું. પીડિતે સમસુદ્દીન શેખ સહિતનાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે .
Read Original Article →