થરાદના ચૂડમેર સીમમાં એલસીબીનો દરોડો:વર્ના કારમાંથી રૂ.1.46 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
વાવ-થરાદ એલ.સી.બી.ની ટીમે પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ચૂડમેર ગામની સીમમાં નર્મદા કેનાલના પુલ પાસે કાર્યવાહી કરી હતી. પોલીસે એક વર્ના કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1,46,872ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એલ.સી.બી. વાવ-થરાદના પોલીસ કર્મચારીઓ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ચૂડમેર ગામની સીમમાં નર્મદા કેનાલના પુલ પાસે એક શંકાસ્પદ વર્ના કારને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-416 કિંમત રૂ. 91,872, વર્ના કાર કિંમત રૂ. 50,000 તેમજ એક મોબાઇલ ફોન કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 1,46,872નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે કારચાલક શ્રવણજી ઠાકોર (રણાવાડિયા), ઉંમર 27 વર્ષ, રહે. તાતીયાણા, તા. ઓગડ, જી. બનાસકાંઠાને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની સામે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →