થરાદ નગરપાલિકા વોર્ડ નં.4નો ગ્રાઉન્ડ રિપોર્ટ:વિકાસના પોકળ દાવાઓ વચ્ચે રસ્તા અને પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં સત્તાધારી પક્ષ સામે વિરોધ
થરાદ નગરપાલિકાના સાતેય વોર્ડના રહીશો અત્યારે પાયાની સુવિધાઓ જેવી કે શુદ્ધ પાણી, વ્યવસ્થિત ગટર લાઈન, ટકાઉ રસ્તા અને અવિરત વીજળીના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પૂર્વે જ જનતામાં વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ સામે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે વર્ષોથી અનેક સ્તરે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. ઉભરાતી ગટરોના ગંદા પાણી રાજમાર્ગો પર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં રોગચાળાનો ભયાનક ખતરો મંડરાઈ રહ્યો છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણી માટે લોકો તરસ્યા રહી રહ્યા છે.
રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં આટલું જ નહીં, શહેરના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. અનિયમિત વીજ પુરવઠાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોની રોજબરોજની કામગીરી પર તેની માઠી અસર પડી રહી છે. પીવાનું પાણી, વીજળી અને પાકા રસ્તાઓનો અભાવ
ખાસ કરીને વોર્ડ નંબર 4 ની સ્થિતિ તો અતિશય પીડાદાયક જોવા મળી રહી છે. આ વોર્ડમાં વસતા વાલ્મિકી સમાજના લોકોની હાલત અત્યંત ગંભીર છે અને અહીં વિકાસની ગંગા પહોંચી જ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં પીવાનું પાણી, વીજળી અને પાકા રસ્તાઓ જેવી પાયાની જરૂરિયાતો પણ સંતોષાઈ નથી, તેમજ ગરીબ પરિવારો માટેની સરકારી આવાસ યોજનાઓનો લાભ પણ વચેટિયાઓ કે તંત્રની ઉદાસીનતાને કારણે છેવાડાના માનવી સુધી પહોંચ્યો નથી. નેતાઓ સામે પ્રજામાં ભારે ધિક્કાર ચૂંટણી ટાણે વચનોની લ્હાણી કરતા નેતાઓ સામે પ્રજામાં ભારે ધિક્કારની લાગણી છે. લોકોનું કહેવું છે કે મતોની ઝોળી ભરવા આવતા નેતાઓ જીત્યા પછી ક્યારેય વિસ્તારની મુલાકાત લેવાની તસ્દી લેતા નથી. જનતાની સમસ્યાઓ સાંભળવા માટે લોકપ્રતિનિધિઓ પાસે જાણે સમય જ નથી તેવી છાપ ઉભી થઈ છે. વહીવટી તંત્ર સવાલોના કઠેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પર્વ નિમિત્તે હવે થરાદની જનતા જાગૃત બની છે અને વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો બાબતે સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્રને સવાલોના કઠેડામાં ઊભા કરી રહી છે. થરાદના નાગરિકોએ સખત શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે નિરાકરણ નહીં આવે, તો તેનું પરિણામ આગામી ચૂંટણીના જંગમાં ઈવીએમ (EVM) મશીન પર સ્પષ્ટપણે જોવા મળશે.
સુવિધાઓના અભાવે તેઓ નરકાગાર જેવી સ્થિતિ પોતાની વ્યથા ઠાલવતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે સુવિધાઓના અભાવે તેઓ નરકાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. કાચા મકાનો અને વરસાદી પાણીના ભરાવાને કારણે ગરીબ પરિવારોની હાલત કફોડી બની જાય છે, છતાં કોઈ સરકારી સહાય કે પ્રોત્સાહન મળતું નથી. ગટર અને ગંદકીના કારણે ફેલાતી અસ્વચ્છતા બીમારીઓને આમંત્રણ આપી રહી છે. વારંવારની રજૂઆતો બધિર કાને અથડાઈને પાછી ફરે છે. પાયાની સુવિધાઓ વગર સંઘર્ષ કરતા આ પરિવારો હવે કાયમી રોજગારી અને રહેવાની યોગ્ય વ્યવસ્થા માટે ચિંતિત છે. સ્થાનિક વેપારીએ તંત્રની પોલ ખોલતા જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષથી મુખ્ય રોડ તૂટી ગયો છે. તંત્ર દ્વારા માત્ર રાત્રિના સમયે રેતી અને કપચીના થીંગડા મારીને સંતોષ મનાય છે, પરંતુ મજબૂત સિમેન્ટ વર્ક કરવામાં આવતું નથી, જેના કારણે રસ્તો ફરીથી ધોવાઈ જાય છે. એક મહિલાની વ્યથા મુજબ, અહીં બારેય મહિના પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા છે. ગંદકીના સામ્રાજ્યને કારણે સ્થિતિ એટલી હદે વણસી છે કે વાલ્મીકિવાસ જેવા વિસ્તારોમાં ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકતી નથી. સ્થાનિક યુવાને રોષ વ્યક્ત કરતા કહ્યું કે, અમે વર્ષોથી લોકશાહીના પર્વમાં મતદાન કરીને ભાગીદાર બનીએ છીએ, પરંતુ આજદિન સુધી કોઈ પણ પક્ષના નેતાએ અમારી પાયાની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાની તસ્દી લીધી નથી. અન્ય એક નાગરિકે ઉમેર્યું કે ગટરની સમસ્યા અહીં વર્ષો જૂની અને જટિલ છે. ચૂંટણી આવે ત્યારે નેતાઓ વચનોના પોટલાં ખોલે છે, પરંતુ સત્તા મળ્યા પછી આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં સૌ નિષ્ફળ રહ્યા છે.
Read Original Article →