બનાસકાંઠા:3 વર્ષમાં પૂરક પરીક્ષાર્થીઓનો આંકડો 700થી વધીને 5260 પર પહોંચ્યો
બનાસકાંઠા જિલ્લામાં ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2023માં 700થી વધુ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી, જે 2024માં 2,156 અને આ વર્ષે વધીને 5,260 પર પહોંચી છે. 11થી 20 જૂન દરમિયાન પાલનપુરના 20 કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. બૃહદ બનાસકાંઠા જિલ્લામાં ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષા 11થી 20 જૂન દરમિયાન યોજાશે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પાલનપુર ખાતે કુલ 20 પરીક્ષા કેન્દ્રો પર CCTV દેખરેખ અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષાનું આયોજન કરાયું છે. જિલ્લામાં કુલ 5,260 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધોરણ-10ના 3,510, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 810 અને વિજ્ઞાન પ્રવાહના 940 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધોરણ-10 માટે 12 કેન્દ્રો અને 117 બ્લોક, ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે 3 કેન્દ્રો અને 27 બ્લોક તથા વિજ્ઞાન પ્રવાહ માટે 5 કેન્દ્રો અને 47 બ્લોક ફાળવ્યા છે. સામાન્ય પ્રવાહમાં એક બ્લોકમાં 30 અને વિજ્ઞાન પ્રવાહમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે.ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પૂરક પરીક્ષા 12 દિવસ વહેલી યોજાઈ રહી છે. વર્ષ 2023માં 700થી વધુ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી, જે 2024માં વધીને 2,156 થઈ હતી. જ્યારે આ વર્ષે આ આંકડો સીધો 5,260 પર પહોંચ્યો છે. આમ, ત્રણ વર્ષમાં પૂરક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં આશરે 7 ગણો વધારો નોંધાયો છે. કાયમી શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ કથળ્યું
નિવૃત આચાર્ય અનિલભાઈએ જણાવ્યું હતું કે, જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને એકાઉન્ટ જેવા મુખ્ય અને અઘરા વિષયોના કાયમી શિક્ષકોની મોટી અછત છે. અંતરિયાળ અને સરહદી વિસ્તારોની શાળાઓમાં આ સમસ્યા વધુ ગંભીર છે. કાયમી શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓનો પાયો કાચો રહી જાય છે, જે બોર્ડની પરીક્ષામાં નબળા પરિણામમાં પરિણમે છે.
Read Original Article →