ભાસ્કર એક્સક્લુસિવ:13 બોલમાં ફીફ્ટી ફટકારનારા ઉર્વિલ પટેલને ગુજરાત ટાઇટન્સે 2024માં છૂટો કરતાં આખો પરિવાર તૂટી ગયો હતો

Gujarat5/12/2026, 1:35:42 AM
ભાસ્કર એક્સક્લુસિવ:13 બોલમાં ફીફ્ટી ફટકારનારા ઉર્વિલ પટેલને ગુજરાત ટાઇટન્સે 2024માં છૂટો કરતાં આખો પરિવાર તૂટી ગયો હતો
આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી અર્ધશતક ફટકારીને વિશ્વ વિક્રમ સર્જનાર યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલની આ સિદ્ધિ પાછળ વર્ષોની સખત મહેનત અને પિતાનો અતૂટ વિશ્વાસ રહેલો છે. વડનગર તાલુકાના કહીપુર ગામમાં જન્મેલા અને પાલનપુરને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉર્વિલે માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારી આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. તેના પિતા મુકેશભાઈ પટેલ જણાવે છે કે 4 વર્ષની ઉંમરથી શરૂ થયેલી આ સફરમાં પરિવારે અનેક સામાજિક પ્રસંગોનો ત્યાગ કરીને ઉર્વિલના સપનાને સિંચ્યું છે. સંસ્કાર અને સમર્પણનો સંગમ ધરાવતા ઉર્વિલનું હવે એક જ લક્ષ્ય છે. ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી દેશ માટે રમવું. ઉર્વિલે માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારી દેશનું ધ્યાન ખેંચ્યું : પિતા સાથે વાતચીતના અંશો‎ સવાલ: મુકેશભાઈ, ઉર્વિલે IPL માં ફાસ્ટેસ્ટ અર્ધ સદી ફટકારી વિશ્વ વિક્રમ સર્જ્યો, પિતા તરીકે સૌથી પહેલો વિચાર શું આવ્યો? જવાબ: હું જ્યારે મેચ જોતો હતો ત્યારે મને એમ થયું કે યુવરાજ સિંહની 12 બોલની અર્ધ શતક છે તે ઉર્વિલ 11 બોલમાં 50 રન કરશે, એટલે વિશ્વ વિક્રમ ઉર્વિલના નામે થશે. 10 બોલમાં 41 રન હતા એટલે જો બે છગ્ગા વાગી ગયા હોત તો 11 બોલમાં નવો વિશ્વ વિક્રમ બની જાત. 13 બોલમાં ફીફ્ટી ફટકારનાર ઉર્વિલને ગુજરાત ટાઇટન્સે 2024માં છુટો કરતાં આખો પરિવાર તૂટી ગયો હતો. સવાલ: ઉર્વિલ મેદાનમાં છગ્ગા ફટકારી રહ્યો હતો ત્યારે ટીવી સામે તમારા દિલમાં શું ચાલી રહ્યું હતું? જવાબ: મેં એક્ચ્યુલી ટીવીમાં નથી જોયું, મેં અને બાએ (ઉર્વિલના દાદી) મોબાઈલમાં સાથે જોયું હતું. ઉર્વિલ આઉટ ન થાય એનો થોડો ડર લાગી રહ્યો હતો. સવાલ: ઉર્વિલે પોતાની સફળતાનો શ્રેય એક ચિઠ્ઠી દ્વારા તમને આપ્યો, એ ચિઠ્ઠી જોતી વખતે તમારી લાગણીઓ કેવી હતી? જવાબ: મોબાઈલમાં જોતી વખતે ચિઠ્ઠીમાં શું લખ્યું છે તે સ્પષ્ટ દેખાયું નહોતું, પણ પછી મિત્રોએ ફોટો મોકલ્યો ત્યારે જોયું કે તેમાં લખ્યું હતું: “પપ્પા આ 50 અર્ધ સદી તમને સમર્પિત કરું છું”. એ જોઈને ઘણું સારું લાગ્યું અને મને એ પણ ચોક્કસ હતું કે તે જે દેવી-દેવતાઓની પૂજા કરે છે તેના આશીર્વાદ તેને મળ્યા. સવાલ: ઘણા ખેલાડીઓ સફળતા પછી બદલાઈ જાય છે, પરંતુ ઉર્વિલે ચિઠ્ઠી લખીને પિતાને શ્રેય આપ્યો, એ ક્ષણે તમને શું લાગે છે? જવાબ: આ અમારા પરિવારના સંસ્કારો છે. ઉર્વિલ ક્યારેય ઈન્ડિયાની ટીમમાં પણ પ્રવેશ મેળવશે તો પણ તે ક્યારેય બદલાશે નહીં એ ચોક્કસ છે. સવાલ: બાળપણમાં ઉર્વિલ ક્રિકેટ માટે કેટલો ઉત્સાહ રાખતો હતો? કોઈ ખાસ ઘટના યાદ આવે છે? જવાબ: ચાર વર્ષની ઉંમરે તેણે ક્રિકેટની શરૂઆત કરી હતી. ત્યારથી જ તેના મનમાં મેં એક જ વિચાર રાખ્યો હતો કે તેણે “ઈન્ડિયાની ટીમમાં જ રમવાનું છે”. સવાલ: ઉર્વિલના ક્રિકેટ કરિયરમાં સૌથી મુશ્કેલ સમય કયો હતો અને ત્યારે પરિવારે કેવી રીતે સાથ આપ્યો?.. જવાબ: 2023 માં ગુજરાત ટાઇટન્સની ટીમમાં સિલેક્ટ થયા બાદ 2024 માં તેને છૂટો કર્યો ત્યારે આખો પરિવાર તૂટી ગયો હતો અને ખૂબ દુઃખ થયું હતું. પણ ઉર્વિલને માનસિક દુઃખ ન થાય તે માટે સૌ પરિવારજનો સાથે મળીને તેને સાંત્વના આપતા હતા. સવાલ: ઉર્વિલના સપના પૂરા કરવા માટે પરિવારે કયા એવા ત્યાગ કર્યા છે જે આજ સુધી કોઈને ખબર નથી? જવાબ: તેને એક પણ દિવસની રજા રાખ્યા વગર સતત પ્રેક્ટિસ કરાવતા. વેકેશનમાં પણ તેને અમદાવાદ નવું શીખવા લઈ જતા. આ કારણે 2004 થી 2026 સુધી અમે કોઈ સામાજિક પ્રસંગોમાં જઈ શક્યા નથી કે તે માણી શક્યા નથી.
Read Original Article →