સરદારકૃષિનગરમાં વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો:ડૉ. આદિત્ય અગ્રવાલે તણાવ મુક્તિ માટે માર્ગદર્શન આપ્યું
કામધેનુ યુનિવર્સિટી હસ્તકની પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, સરદારકૃષિનગરના 'સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ સેલ' દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે માનસિક આરોગ્ય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. UGC ગાઈડલાઈન મુજબ યોજાયેલા આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને 'સ્વસ્થ મન – ઉજ્જવળ ભવિષ્ય' ના મંત્રને સાર્થક કરવાનો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે એમ.ડી. સાયકિયાટ્રિસ્ટ ડૉ. આદિત્ય આર. અગ્રવાલે આજના સ્પર્ધાત્મક યુગમાં માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને તણાવ, ચિંતા અને ડિપ્રેશનના લક્ષણોને વહેલી તકે ઓળખી યોગ્ય તબીબી સલાહ લેવા અનુરોધ કર્યો હતો. ડૉ. અગ્રવાલે શૈક્ષણિક ભારણ વચ્ચે માનસિક શાંતિ જાળવી રાખવા માટે ધ્યાન (મેડિટેશન), સકારાત્મક અભિગમ અને અસરકારક સમય વ્યવસ્થાપન જેવા પ્રાયોગિક નુસખાઓ પણ સમજાવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડૉ. એચ. સી. ચૌહાણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસ માટે માત્ર શૈક્ષણિક ગુણવત્તા જ નહીં, પરંતુ મજબૂત માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. સેમિનારના અંતિમ ચરણમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની મૂંઝવણો રજૂ કરી નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન ડૉ. ચિરાગ એમ. મોદી, ડૉ. અજય એસ. પટેલ, ડૉ. રિંકેશ મકવાણા અને ડૉ. જે. આર. પટેલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ હાજર રહીને ઉપયોગી માહિતી મેળવી હતી.
Read Original Article →