પાલનપુર નગરપાલિકાનો ચૂંટણીનો મહાજંગ:સીમાડા વિસ્તર્યા પણ સુવિધાઓ સંકોચાઈ: વોર્ડ 8ના રસ્તાઓ અને પાણી મુદ્દે જનતાનો ભારે રોષ;નવા ચહેરાની ઊઠી માગ
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વોર્ડ નં. 8 માં પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતામાં ભારે અસંતોષની લાગણી જન્મી છે. પાણી, સફાઈ, ખખડધજ રસ્તા અને લડબી નદીની સફાઈ જેવા સળગતા પ્રશ્નો વચ્ચે મતદારો હવે પ્રસ્થાપિત નેતાઓને બદલે નવા ચહેરાઓને તક આપવાની હિમાયત કરી રહ્યા છે.
પાલનપુર નગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે વોર્ડ નં. 8 માં મતદારોનો મિજાજ બદલાયેલો જણાય છે. કુલ 11,082 મતદારો ધરાવતા આ વિસ્તારમાં દેવપુરા અને જોડનાપુરાથી લઈ ડીસા હાઈવે સુધીની સોસાયટીઓનો સમાવેશ થાય છે. આકેસણ રોડ, એંગોલા રોડ અને અમદાવાદ હાઈવે જેવા વિસ્તારોને આવરી લેતો આ વોર્ડ શહેરનો સૌથી મોટો વિસ્તાર ગણાય છે. જોકે, હાઈવે પર વિકસતા આ નવા ક્ષેત્રો હોવા છતાં પાયાની માળખાગત સુવિધાઓના નામે શૂન્યતા દેખાતા લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. પીવાના પાણીની સમસ્યા અહીં વિકરાળ બની સ્થાનિક રહીશોના મતે નવી સોસાયટીઓમાં સુવિધાઓ પહોંચાડવાના દાવા તો થાય છે, પરંતુ વાસ્તવમાં તે અનિયમિત છે. પીવાના પાણીની સમસ્યા અહીં વિકરાળ બની છે. ધરોઈ ડેમનું પાણી સમયસર ન મળતા લોકોમાં રોષ છે; અનેક વિસ્તારોમાં તો 2 થી 3 દિવસે માંડ એકવાર પાણી મળતું હોવાની બૂમ ઉઠી છે. આ ઉપરાંત સફાઈ વ્યવસ્થાનું નબળું અમલીકરણ, ટ્રાફિકની સમસ્યા અને બિસ્માર રસ્તાઓ રહીશો માટે મોટી પીડા બન્યા છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે ચૂંટણી જીત્યા બાદ નગરસેવકો પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર પોતાના જ વિકાસમાં મગ્ન રહ્યા છે. નાના-મોટા કામો થયા હોવા છતાં સમગ્ર વોર્ડનો જે રીતે સર્વાંગી વિકાસ થવો જોઈએ, તે થયો નથી.
લડબી નદીના પ્રદૂષિત પાણી
આ વોર્ડની સૌથી ગંભીર અને જૂની સમસ્યા લડબી નદીના પ્રદૂષિત પાણીની છે. નદીમાં વહેતી ગંદકી ચોમાસામાં ઉભરાઈને લોકોના ઘરોમાં ઘૂસી જાય છે, જેના કારણે દુર્ગંધ અને રોગચાળાનો ભય સતત તોળાય છે. વારંવારની રજૂઆતો છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. આ નિષ્ક્રિયતાને કારણે જ મતદારો હવે જૂના જોગીઓથી કંટાળીને આ વખતે નવા લોહી અને ઉત્સાહી ચહેરાઓને સત્તા સોંપવા મક્કમ બન્યા છે.
રાત્રે વરસાદ પડે તો પાણી સીધા ઘરમાં ઘૂસે
વોર્ડ નં. 8 ના ગુરુકૃપા બાગ-2 ના રહીશ બાબુભાઈ જોશીએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે, "કામ તો થયા છે પણ તે સંતોષકારક નથી. પાણીની અછત કાયમી છે. સૌથી મોટી બીક તો વરસાદની છે; નદી નજીક હોવાથી રાત્રે વરસાદ પડે તો પાણી સીધા ઘરમાં ઘૂસે છે. નદીમાં પશુઓ તણાય છે અને ગંદકી ફેલાય છે. જો આ નદીનો યોગ્ય બંદોબસ્ત થાય અને મચ્છરોના ત્રાસમાંથી મુક્તિ મળે, તો જ લોકશાહી સાર્થક ગણાશે."
નવી પેનલમાં શિક્ષિત યુવાનો અને મહિલાઓને જોવા માગે છે લોકો બીજી તરફ, સંસ્કૃતિ બંગલોના અરુણકુમાર જોશીએ સ્પષ્ટ માંગ કરી છે કે, "સોસાયટીઓમાં સફાઈનો પ્રશ્ન જટિલ છે, પણ લડબી નાળાની સમસ્યા સૌથી મોટી છે. એરોમા કંપનીના કોર્નર સુધી જો સળંગ પાકું નાળું બનાવવામાં આવે, તો ચોમાસામાં પાણી બેક મારવાની અને ભરાવાની સમસ્યા ઉકેલાઈ શકે. અત્યાર સુધીના નગરસેવકો જાણે રીઢા થઈ ગયા છે, તેમને ખબર છે કે જીત્યા પછી કોઈ પૂછનાર નથી. એટલે આ વખતે નવી પેનલ, શિક્ષિત યુવાનો અને મહિલાઓને તક મળવી જોઈએ."
જોકે, વિકાસના દાવાઓ વચ્ચે કેટલાક મિશ્ર પ્રતિભાવો પણ છે. ઉત્સવસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, "છેલ્લા એક વર્ષમાં ઘણી સુવિધાઓ મળી છે જેનાથી જનતાને ફાયદો થયો છે. પાણીની સમસ્યા પણ મોટાભાગે હલ થઈ છે અને ભવિષ્યમાં બાકીના કામો પણ પૂર્ણ થશે તેવી આશા છે."
વધતા દબાણો, પીડાતી પ્રજા સામા પક્ષે, સ્થાનિક રહીશ રવિ દરજીએ પાલિકાની કામગીરી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "ચૂંટણી જાહેર થઈ એ પહેલાથી જ વિકાસના કામો ઠપ્પ છે. લડબી નદી, જે ક્યારેક લોકમાતા હતી, તેને પાલિકાએ ગંદકીનું ઘર બનાવી દીધી છે. દબાણો વધ્યા છે અને પ્રજા પીડાઈ રહી છે. ધારાસભ્યને રજૂઆત કરીએ ત્યારે માત્ર દેખાડા ખાતર સફાઈ થાય છે. પટેલ ડેરીથી હાઈવેને જોડતા માર્ગ પર ચાલુ નગરસેવકે સ્વાર્થ ખાતર દરવાજો બનાવી રસ્તો રોકી દીધો છે. ટ્રાફિક અને અનિયમિત પાણીથી જનતા ત્રસ્ત છે. અમને એવા પ્રતિનિધિની જરૂર છે જે પાર્ટી સામે લડીને પણ પ્રજાના પ્રશ્નો ઉકેલે."
ગલીઓમાં લાઈટો નહીં, ખાડાઓનું સામ્રાજ્ય વોર્ડના અન્ય એક રહીશ અમૃતલાલ પ્રજાપતિએ એંગોલા રોડની બિસ્માર હાલત વર્ણવતા કહ્યું કે, "રસ્તાઓ એકદમ ભંગાર થઈ ગયા છે, ગલીઓમાં લાઈટો નથી અને ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે. પાણી અને રસ્તાની સુવિધા જે નેતા આપશે, અમે તેને જ મત આપીશું. આવનારા પ્રતિનિધિઓ પાસે અમારી અપેક્ષા માત્ર એટલી જ છે કે તેઓ બાકી રહી ગયેલા કામો પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરે."
Read Original Article →