પતિના મિત્રનું કાંડ પરિણીતા પર દુષ્કર્મ, બ્લેકમેલિંગ પછી ધર્મપરિવર્તન:તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ, નગ્ન તસવીરથી બ્લેકમેલિંગ કરી 5 શખસનો રેપ, હનીટ્રેપનું દબાણ, ગર્ભવતી બનતાં તરછોડી
બનાસકાંઠાના પાલનપુર શહેરમાં એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી અને અશ્લીલ તસવીર-વીડિયોના આધારે બ્લેકમેલ કરી અલગ અલગ લોકોએ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પીડિત મહિલાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે મુખ્ય આરોપી સહિત 5 શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મિત્રતાના બહાને ઘરમાં પ્રવેશ અને શોષણ
ફરિયાદ મુજબ, મૂળ થરાદ પંથકની અને હાલ પાલનપુરમાં ભાડાના મકાનમાં રહેતી 30 વર્ષીય મહિલા અગાઉ બીમાર રહેતી હતી. આ દરમિયાન તેનો પતિ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો. પતિનો મિત્ર અખ્તરશા રજબશા ફકીર (રહે. પેગીયા, ધાનેરા) અવારનવાર તેમના ઘરે આવતો હતો. અખ્તરશાએ તેના દાદા તાંત્રિક વિધિ જાણે છે તેમ કહી મહિલાને સાજી કરી દેવાના બહાને વિશ્વાસમાં લીધી હતી. આ દરમિયાન પતિ સાથે અણબનાવ થતા પતિ તેને છોડીને વતન જતો રહ્યો હતો. મહિલાની એકલતાનો લાભ લઈ અખ્તરશાએ લગ્નની લાલચ આપી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. નગ્ન ફોટા પાડી બ્લેકમેલિંગ અને હનીટ્રેપનું ષડયંત્ર
મુખ્ય આરોપી અખ્તરશાએ મહિલાની જાણ બહાર તેના નગ્ન ફોટા અને અશ્લીલ વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી તે મહિલા પાસે અન્ય લોકોને ફોન અને વીડિયો કોલ કરાવી પ્રેમજાળમાં ફસાવવા દબાણ કરતો હતો. આરોપીનું આયોજન એવું હતું કે મહિલા અન્ય પુરુષોને ઘરે બોલાવે ત્યારે અખ્તરશા અને તેના સાગરીતો ત્યાં પહોંચી જઈ પતાવટના નામે નાણાં પડાવી શકે. વિરોધ કરવા પર મહિલાને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. બળજબરીથી ધર્મ પરિવર્તન
પીડિતાએ આક્ષેપ કર્યો છે કે આરોપી તેને સતત ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતો હતો. આશરે 2 વર્ષ પહેલા તેને ઉનાવા દરગાહ ખાતે લઈ જઈ બળજબરીથી નમાજ પઢાવી, કલમા પઢાવી તેનું નામ બદલીને 'આયશાબાનુ' કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આરોપીએ મકાન ભાડે મેળવવા માટે મહિલાના પતિના નામનો ઉપયોગ કરી ખોટું આધારકાર્ડ પણ બનાવ્યું હતું. અન્ય આરોપીઓ દ્વારા દુષ્કર્મ
જ્યારે મહિલા પાલનપુરની અંબર સોસાયટી વિસ્તારમાં રહેતી હતી, ત્યારે અખ્તરશાના ભાઈઓ અને સંબંધીઓ આરીફ ફકીર, ઇલિયાસ ફકીર, દિલાવરશા જુનેજા અને સાહિલ ફકીરે પણ પીડિતાના નગ્ન ફોટા હોવાનું કહી તેને બ્લેકમેલ કરી હતી. આ શખસોએ મહિલાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ કાર્યવાહી
મહિલા ગર્ભવતી બનતા મુખ્ય આરોપીએ તેને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. અંતે હિંમત ભેગી કરી પીડિતાએ પોતાના પરિવારને જાણ કરી હતી અને પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Read Original Article →