કોંગ્રેસે પક્ષપલટો રોકવા સંભવિત ઉમેદવારો પાસે 'બાંહેધરી પત્રક' ભરાવ્યા:પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યાં

Gujarat4/4/2026, 10:19:14 AM
કોંગ્રેસે પક્ષપલટો રોકવા સંભવિત ઉમેદવારો પાસે 'બાંહેધરી પત્રક' ભરાવ્યા:પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ બનાસકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવારો પાસેથી બાંહેધરી પત્રક ભરાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે પક્ષપલટો રોકવા માટે તેમજ કોંગ્રેસ પક્ષના આદેશનું ઉમેદવાર ચુસ્તપણે પાલન કરે તે માટે સંભવિત ઉમેદવારો પાસે 'બાંહેધરી પત્રક' ભરાવ્યા છે. રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં આગામી 26 એપ્રિલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષોએ આ ચૂંટણીઓમાં જીત મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા પણ તાલુકા મથકોએ ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા મથક પાલનપુરમાં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ઈચ્છુક ઉમેદવારો પોતાના સેન્સ આપવા પહોંચ્યા હતા. પ્રદેશ કોંગ્રેસમાંથી આવેલા નિરીક્ષકોએ ઈચ્છુક ઉમેદવારોને સાંભળીને તેમના સેન્સ લીધા હતા. આ અંગે કોંગ્રેસ આગેવાન અને પાલનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સેંજીભાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા આજરોજ જિલ્લા પંચાયત ચંડીસર, ચડોતર, ગઢ અને મડાણા ગઢના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાલ ચાલી રહી છે. પાલનપુર તાલુકાની 34 તાલુકા પંચાયતો અને 38 જિલ્લા પંચાયતની સેન્સ પ્રક્રિયા લેવાશે. કોંગ્રેસમાંથી ટિકિટ લેવા માટે લોકોની બહુ લાંબી લાઈનો છે. એક તાલુકા પંચાયતમાં પાંચથી છ સંભવિત ઉમેદવારો આજે આવ્યા છે અને જિલ્લા પંચાયતમાં પણ એ જ પરિસ્થિતિ છે. ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસની વિચારધારાવાળો માણસ, ચુસ્ત માણસ, વધુ અભ્યાસી અને કોઈ પક્ષ પલટો ન કરે એવા વ્યક્તિની અમે પસંદગી કરવાના છીએ. વધુમાં કહ્યું કે, જિલ્લા અને તાલુકા પંચાયતમાં લડવા ઇચ્છુક ઉમેદવારો માટે આ વખતે કોંગ્રેસે બાંહેધરી પત્રક ભરાવવાનું નક્કી કર્યું છે. ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના વ્હીપનું, કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે, એ માટે બાંહેધરી પત્રક ભરાવ્યાં છે. ભવિષ્યમાં કોઈપણ પક્ષ સાથે કોઈ પક્ષ પલટો ન કરે, તેમ છતાં જો પક્ષ પલટો કરશે તો પક્ષપલટા વિરોધી ધારા હેઠળ ગાંધીનગરની કોર્ટમાં જઈ અને પક્ષકાર તરીકે સભ્ય પદ એનું રદ કરાવીશું.
Read Original Article →