પાલનપુરના પૂર્વ ભાજપ નગરસેવક કોંગ્રેસમાં જોડાયા:આશિષ માળી, નરસી દેસાઈએ સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

Gujarat4/10/2026, 2:56:01 PM
પાલનપુરના પૂર્વ ભાજપ નગરસેવક કોંગ્રેસમાં જોડાયા:આશિષ માળી, નરસી દેસાઈએ સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પાલનપુરમાં ભાજપને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવે તે પૂર્વે જ આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 1 ના પૂર્વ નગરસેવક શાંતિ માળી, તેમના પુત્ર અને પાલિકાના પાણી પુરવઠા સમિતિના પૂર્વ ચેરમેન આશિષ માળી તેમજ ડીસાના ભાજપ અગ્રણી નરસિંહ દેસાઈએ કેસરીયો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ટિકિટ ન મળતા નારાજગી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આશિષ માળી અને નરસિંહ દેસાઈએ પોતાના 100 થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપે આ વખતે આશિષ માળીને ટિકિટ ન આપતા તેમણે પક્ષ સાથે છેડો ફાડ્યો છે. આ ઉપરાંત, ત્રણ ટર્મથી ચૂંટણી લડતા નગરસેવકોને ટિકિટ ન આપવાના ભાજપના શિસ્તબદ્ધ નિર્ણયને કારણે પક્ષમાં મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. અનેક વોર્ડમાં નારાજ કાર્યકર્તાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે ભાજપ માટે ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું છે. ભાજપમાં કદર ન થઈ: શાંતિ માળી કોંગ્રેસમાં જોડાયા બાદ પૂર્વ નગરસેવક શાંતિ માળીએ જણાવ્યું હતું કે, "ભાજપમાં વર્ષો સુધી સેવા આપવા છતાં યોગ્ય કદર ન થતા આ નિર્ણય લેવો પડ્યો છે." તેમણે આગામી ચૂંટણીમાં પોતાની આખી પેનલ જીતાડવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. સમગ્ર જિલ્લામાં પરિવર્તનનો પવન: રાજપૂત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબ સિંહ રાજપૂતે આ ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે, પાલનપુરના વોર્ડ નંબર 1 માં 20 વર્ષથી સક્રિય એવા શાંતિલાલ માળી અને આશિષ માળી સહિત ડીસાના માલધારી સમાજના અગ્રણી નરસિંહભાઈ માળી કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે ઉમેર્યું કે, "માત્ર પાલનપુર જ નહીં પરંતુ વાવ, સુઈગામ, થરાદ, ભાભર, ધાનેરા, દાંતા અને અમીરગઢમાં પણ ભાજપથી નારાજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આ ટ્રેન્ડ સ્પષ્ટ કરે છે કે આગામી પંચાયતી રાજ અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસની બોડી બનશે."
Read Original Article →