મંડે પોઝિટીવ:જંગલમાં પિતા- પુત્રએ 6000 લીટર પાણીથી પશુ-પક્ષીઓ માટે કુંડ ભર્યા
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની ગરમીમાં જંગલમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓને પીવા માટેના પાણીની તકલીફ ન પડે તેની ચિંતા જડીયાલ ગામના પિતા- પુત્રએ કરી છે. જેઓ સ્વખર્ચે પોતાનું ટ્રેકટર અને ગ્રામ પંચાયતના ટેન્કરમાં પાણી ભરી વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા કુંડ પાણીથી ભરી રહ્યા છે. અત્યાર સુધીમાં 6000 લીટર પાણી તેમણે પ્રાણી પક્ષીઓને પીવડાવ્યું છે. પાલનપુર તાલુકાના જડીયાલ ગામના સામાજીક કાર્યકર ખેડૂત અને જીવદયા પ્રેમી સમીરભાઇ દેસાઇ અને તેમના પુત્ર મિતેશ દર વર્ષે ઉનાળામાં સેવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતુ કે, અસહ્ય ગરમીમાં મનુષ્યો તો ઠીક, અબોલ પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે. આવી વિકટ પરિસ્થિતિમાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતા જ જંગલમાં જઇએ છીએ. આ વખતે 2000 લીટર પાણીના ત્રણ ટેન્કર દ્વારા કુલ 6000 લીટર પાણી કુંડમાં ભર્યું છે. ગયા વર્ષે 50 પાણીના કુંડા પણ ઝાડ ઉપર બાંધી તેમાં પાણી ભર્યુ હતુ. આ કામગીરી ઉનાળામાં પશુ-પક્ષીઓ પાણીની શોધમાં માનવ વસાહત તરફ ન ફંટાય અને જંગલમાં જ તેમને ખોરાક-પાણી મળી રહે તે હેતુથી અમે આ પ્રયાસ કર્યો છે. રાની પશુઓ માટે આશીર્વાદરૂપ સેવા
જડીયાલનું જંગલ રીંછ, દીપડા, નીલગાય, શિયાળ અને વાંદરા જેવા પ્રાણીઓનું નિવાસસ્થાન છે. ઉનાળામાં કુદરતી જળસ્ત્રોત સુકાઈ જતાં આ પ્રાણીઓ ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે સમીરભાઈ અને મિતેશભાઈ દ્વારા ભરાતા આ પાણીના કુંડ આ વન્યજીવો માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે.
Read Original Article →