ગરમી અને બફારાનો ડબલ માર:ઉ.ગુ.માં તાપમાન 41 ડિગ્રી, ગરમીનો અનુભવ 43 ડિગ્રી જેવો, સાંજે ધૂળ ઉડી
ઉત્તર ગુજરાતમાં સોમવારે લોકોને ગરમી અને બફારાનો ડબલ માર સહન કરવો પડ્યો હતો. દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાનો સરેરાશ 13 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હોવા છતાં હવામાં રહેલા ભેજના પ્રમાણને કારણે ઉકળાટમાં વધારો નોંધાયો હતો. પરિણામે બપોરના સમયે લોકો અસહ્ય ગરમીથી પરેશાન બન્યા હતા. જોકે, સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતાં ધૂળની આંધી ફૂંકાઇ હતી. હવામાનની સ્થિતિ મુજબ, હવામાં ભેજનું પ્રમાણ 30 થી 75 ટકા વચ્ચે રહ્યું હતું. પવન અને ભેજના સંયુક્ત પ્રભાવને કારણે દિવસ અને રાતના તાપમાનમાં સવા ડિગ્રી સુધીની વધ-ઘટ નોંધાઈ હતી. રાત્રિનું તાપમાન સવા ડિગ્રીના ઘટાડા સાથે આશરે 27.5 ડિગ્રી આસપાસ રહ્યું હતું, જ્યારે દિવસનું તાપમાન સવા ડિગ્રીના વધારા સાથે 40.2 થી 41 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જોકે, ભેજ અને બફારાના કારણે લોકો માટે ગરમીનો અનુભવ 43 ડિગ્રી જેટલો થયો હતો. ગરમી કરતાં વધુ બફારાના કારણે દિવસભર લોકો અકળાઈ ઉઠ્યા હતા. 30 મેથી વાતાવરણમાં પલટો આવશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં વાતાવરણ અસામાન્ય રહી શકે છે. આ સમયગાળા દરમિયાન તેજ પવન સાથે ઉકળાટ અને આકરા તાપનું બેવડું હવામાન યથાવત રહેવાની શક્યતા છે. 30 મેથી વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
Read Original Article →