અમીરગઢમાં આદિવાસી સમાજને જાતિ દાખલા મેળવવામાં હાલાકી:વિદ્યાર્થીઓને અભ્યાસમાં, સરકારી યોજનાના લાભ મેળવવામાં મુશ્કેલી; ટ્રાયબલ બેલ્ટને ભીલ પ્રદેશ બનાવવાની ચીમકી
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજે જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે મામલતદારને રજૂઆત કરી છે. વર્ષ 2018 અને વર્ષ 2020માં બહાર પાડવામાં આવેલા સરકારી પરિપત્રોને કારણે આદિવાસી પરિવારોને દાખલા મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે, મોટાભાગના આદિવાસી પરિવારો અભણ હોવાથી તેમની પાસે ઘણા જૂના પુરાવા ઉપલબ્ધ નથી. આના કારણે તેમને જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં અવરોધ આવી રહ્યો છે. સમાજે માંગ કરી છે કે, શાળા પ્રવેશ રજિસ્ટર, 7/12ના ઉતારા, ગ્રામ પંચાયતના દાખલા અને જૂના સરકારી રેકોર્ડના આધારે જાતિના દાખલા આપવામાં આવે. જાતિના દાખલા ન મળવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં, સરકારી યોજનાઓના લાભ મેળવવામાં, નોકરીઓ મેળવવામાં તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. સમાજે ચીમકી ઉચ્ચારી છે કે, જો આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ રજૂઆત દરમિયાન, સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, મામલતદાર કચેરી અમીરગઢ ખાતે રજૂઆત કરવા જઈ રહેલા કેટલાક આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ અથવા અટકાયત કરવામાં આવી હતી. સુરેશ પરમારે જણાવ્યું કે, આજ રોજ અમીરગઢ ખાતે જાતિના દાખલાઓને લઈને મામલતદાર સાહેબના માધ્યમથી અમે સરકારનું ધ્યાન દોરવા માટે આવેદન પત્ર આપવામાં માટે આવ્યા હતા. ખરેખર અહિયાં ટ્રાયબલ બેલ્ટની અંદર જોવા જઈએ તો અમીરગઢ તાલુકાની અંદર જાતિના દાખલા નથી મળતા. એટલા માટે અત્યારે ઓનલાઇન સબમીટ કરવાના થતા હોય છે, જેથી કરીને બાળકો ભણી નથી શકતા. અમીરગઢ તાલુકામાં અમારા લગભગ 3000થી વધારે ડ્રોપઆઉટ થઈ ગયા છે. છોકરાઓ એડમિશન નથી મેળવી શક્યા. સરકારને અમે છેલ્લા 2-3 વર્ષથી આ માંગણી કરી રહ્યા છીએ. આજે અમે આવેદન પત્ર આપ્યું છે. અમે ચેતવણી આપીએ છીએે કે, આખા ટ્રાયબલ બેલ્ટની અંદર જરૂર પડશે તો અમે આવનારા ટાઈમ માટે આખો ભીલ પ્રદેશ બનાવીને મૂકીશું. આ અંગે ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના યુવાનો, વિદ્યાર્થીઓને જાતિ અંગેના દાખલા મળવા જોઈએ, મામલતદાર કક્ષાથી જાતિના દાખલા મળતા નથી. જે બાબતે અમે આજે મામલતદાર કચેરી ખાતે રજૂઆતનો કાર્યક્રમ રાખેલો હતો. અમારા તાલુકાના વિદ્યાર્થીઓ, યુવાનો દાખલો ન મળવાના કારણે એડમિશનથી વંચિત રહી ગયા છે, સ્કોલરશીપથી વંચિત રહી ગયા છે. મામલતદાર કચેરીના આંટા ફેરા કરીને અમારા પગના તળિયા ઘસાઈ ગયા છે, પણ એમને હજી સુધી દાખલાઓ મળ્યા નથી. અમે સરકારને વિનંતી સાથે ભૂતકાળમાં કેટલીય વાર રજૂઆત કરી છે, પણ આજ દિવસ સુધી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું. અમે કહેવા માગીએ છીએ કે, પોલીસે જેટલી અટકાયત કરવી હોય એટલી કરે, સરકારે જેટલી પોલીસને આગળ કરીને ડરાવવા-ધમકાવવા વાળી વાત કરવી હોય એ કરે, પણ જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે રજૂઆત કરતા રહીશું. આ અંગે ચૌહાણ રાહુલે જણાવ્યું હતું કે, અમારે જાતિના દાખલા માટે 1950ના પુરાવા માંગે એ માટે બહુ હેરાનગતિ થાય છે, 40 થી 50 છોકરાઓ નોકરી લાગ્યા એમનો ઓર્ડર પણ આપ્યો નથી અને જે છોકરાઓને કોલેજમાં જવાનું છે પણ હાલ જાતિનો દાખલો ન હોવાના કારણે એડમિશન થતા નથી, એના લીધે શિક્ષણનો બહુ અભાવ થઈ રહ્યો છે.
Read Original Article →