બનાસકાંઠામાં સ્વચ્છતા સપ્તાહ અભિયાન શરૂ:8 થી 14 જૂન સુધી સ્વચ્છતા, પ્લાસ્ટિક મુક્તિ માટે જનજાગૃતિ

Gujarat6/9/2026, 11:24:07 AM
બનાસકાંઠામાં સ્વચ્છતા સપ્તાહ અભિયાન શરૂ:8 થી 14 જૂન સુધી સ્વચ્છતા, પ્લાસ્ટિક મુક્તિ માટે જનજાગૃતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવા અને વિકસિત ગુજરાત@2047ના ધ્યેયને જનઆંદોલનનું સ્વરૂપ આપવા રાજ્ય સરકાર દ્વારા 5 જૂનથી 21 જૂન દરમિયાન રાજ્યવ્યાપી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ અંતર્ગત, બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા "સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ" હેઠળ 8 જૂનથી 14 જૂન દરમિયાન "સ્વચ્છતા સપ્તાહ અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા અને ગ્રામ પંચાયતો, જનપ્રતિનિધિઓ, કર્મયોગીઓ, યુવાનો અને ગ્રામજનો સહયોગ આપી રહ્યા છે. "સ્વચ્છ ગામ, સુંદર ગામ – આપણું ગામ, આપણું ગૌરવ"ના સંકલ્પને સાકાર કરવા માટે સ્વચ્છતા આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. અભિયાનના પ્રથમ દિવસે જિલ્લાભરના અનેક ગામોમાં સાયકલ રેલી અને જનજાગૃતિ રેલીઓ યોજાઈ હતી. યુવાનો અને ગ્રામજનોએ સ્વચ્છતાના સંદેશા આપતા બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે ગામોગામ સ્વચ્છતાનો સંદેશ પહોંચાડ્યો હતો. આ સાથે ગામોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને ઘન કચરા વ્યવસ્થાપનના નિયમોના અસરકારક અમલીકરણ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન ગામના મુખ્ય માર્ગો, મહોલ્લાઓ, જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને ધાર્મિક સ્થળોની આસપાસ સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ગ્રામજનો અને યુવાનોએ શ્રમદાન કરી સ્વચ્છતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કચરાના યોગ્ય નિકાલ માટે ડસ્ટબીનના ઉપયોગ, ભીનો અને સૂકો કચરો અલગ કરવાની પદ્ધતિ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડા અંગે માર્ગદર્શન અપાયું હતું. વધુમાં, ગામોના તળાવો, ખુલ્લા પ્લોટો, ગટર વિસ્તારો અને પાણી ભરાઈ રહેતા સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા અને સ્વચ્છ પર્યાવરણ જાળવવા માટે વિશેષ કામગીરી હાથ ધરાઈ હતી. લાંબા સમયથી એકત્રિત થતા કચરાના નિકાલ અને વધુ કચરો એકત્રિત થતા વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. અભિયાનના અંતિમ દિવસે ગ્રામજનોને સ્વચ્છતાની શપથ લેવડાવવામાં આવશે. આ ઉપરાંત, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનપ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો અને સામાન્ય નાગરિકોને આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં હાથ ધરાયેલું આ "સ્વચ્છતા સપ્તાહ અભિયાન" માત્ર સફાઈ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારી અંગેનું અસરકારક જનઆંદોલન બની "વિકસિત બનાસકાંઠા"ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ રીતે સ્વચ્છ, સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાત@2047 અને વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં જિલ્લો એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે.
Read Original Article →