બનાસકાંઠામાં પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ:પ્રભારી મંત્રી કમલેશ પટેલ ઓનલાઈન જોડાયા, સમયસર તૈયારીઓ પૂર્ણ કરવા સૂચન કર્યું
બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા માટે એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચોમાસા પૂર્વેની સાવચેતી, રાહત અને બચાવ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રી કમલેશ પટેલે અધિકારીઓને જિલ્લાના માર્ગોનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરવા, વરસાદી પાણીના નિકાલની સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની તમામ પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરી લેવા તાકીદ કરી હતી. તેમણે દરેક વિભાગ પાસેથી તૈયારીઓનો અહેવાલ પણ મેળવ્યો હતો. મંત્રીએ જર્જરિત કે ભયજનક સરકારી ઇમારતોની ચકાસણી કરવા, વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વીજપોલ આસપાસથી વેલ અને ઝાડી-ઝાંખરા દૂર કરવા, વાહનવ્યવહારના રસ્તાઓ ચકાસવા, કચરો અને કેનાલોની સાફ-સફાઈ કરાવવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે બેઠકમાં જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ક્લાસ-1 અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક અને તાલીમ પૂર્ણ થઈ ચૂકી છે. ગત વર્ષે પાણી ભરાયા હતા તેવા વિસ્તારોમાં આ વર્ષે વિશેષ આયોજન કરાયું છે. પોલીસ, પંચાયત અને મહેસૂલ વિભાગના સંકલન દ્વારા તમામ આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. કલેક્ટરે રાજ્ય સરકારના 'ઝીરો કેઝ્યુલિટી' અભિગમને સાકાર કરવા માટે તાલુકા અને જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ચોવીસ કલાક કાર્યરત રાખવા સૂચના આપી હતી. તેમણે ડિઝાસ્ટર ચેકલિસ્ટ મુજબ જરૂરી સાધન-સામગ્રીની ચકાસણી કરવા તેમજ ગ્રામ્ય સ્તરે તરવૈયાઓ, આપદા મિત્રો અને સરપંચોના સંપર્ક નંબરોની યાદી અધ્યતન રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત, શાળાઓ અને સરકારી ઇમારતોમાં પાણી, વીજળી અને ભોજન સહિતની સુવિધાઓ સાથે શેલ્ટર હોમ તૈયાર રાખવા તથા ગત વર્ષના વરસાદના આંકડા અને ઉપલબ્ધ સંસાધનોના આધારે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણ સજ્જ રહે તે માટે રચનાત્મક સૂચનો કર્યા હતા.
Read Original Article →