બનાસકાંઠા પોલીસે બાળ તસ્કરીનો પદાર્ફાશ કર્યો:4 વર્ષના બાળકને શોધવા 'ઓપરેશન દેવ' શરૂ કર્યું, દોઢ લાખમાં અન્ય રાજ્યમાં વેચે તે પહેલા બે આરોપીને ઝડપ્યા

Gujarat4/8/2026, 2:05:15 PM
બનાસકાંઠા પોલીસે બાળ તસ્કરીનો પદાર્ફાશ કર્યો:4 વર્ષના બાળકને શોધવા 'ઓપરેશન દેવ' શરૂ કર્યું, દોઢ લાખમાં અન્ય રાજ્યમાં વેચે તે પહેલા બે આરોપીને ઝડપ્યા
પાલનપુર-અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી 6 તારીખના રોજ ચાર વર્ષના એક બાળકનું અપહરણ થયું હતું. શ્રમિક પરિવારના આ બાળકને ચોકલેટની લાલચ આપીને અપહરણકર્તાઓ ગાડીમાં લઈ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને હેમખેમ છોડાવી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીની તપાસમાં બાળ તસ્કરીનો પદાર્ફાશ થયો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ સમગ્ર ઘટના ક્રમ જણાવ્યો પોલીસ વડા પ્રશાંત સુંબે એ જણાવ્યું કે, વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 6 તારીખના રોજ ધનપુરા ગામ ખાતેથી પાલી (રાજસ્થાન)ના એક ભિક્ષુક પરિવારના 4 વર્ષના માસૂમ બાળકનું ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો દ્વારા ગાડીમાં આવી અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક 'ઓપરેશન દેવ' શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વડગામ પોલીસ, ડી.વાય.એસ.પી. કચેરી દાંતા, એલ.સી.બી. (LCB), એસ.ઓ.જી. (SOG) અને પેરોલ ફ્લો સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓની અંદાજે 7 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. અપહરણમાં વપરાયેલી ગાડીના વર્ણન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે લગભગ 70 થી 80 કિલોમીટર વિસ્તારના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. સઘન તપાસ અને સર્ચ ઓપરેશનના અંતે ગણતરીના 4 જ કલાકમાં પોલીસે બાળકને હેમખેમ છોડાવી લીધું છે અને આરોપીઓની ધરપકડ કરી છે. બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું છે. આરોપીઓની વિગત અને મોડસ ઓપરેન્ડી ઝડપાયેલા આરોપીઓમાં શૈલેષ ગમાર અને બનાસકાંઠા જિલ્લાના જ રહેવાસી બાબુ ઉર્ફે બાબુ ભગોરાનો સમાવેશ થાય છે. આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી (MO) એ હતી કે, તેઓ નાના બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યની ટોળકીઓને વેચી દેતા હતા. એક થી દોઢ લાખ રૂપિયામાં બાળકનો સોદો નક્કી થતો હતો. જો પોલીસે ત્વરિત કાર્યવાહી ન કરી હોત, તો આ બાળકને રાજ્ય બહાર મોકલી દેવાની પૂરેપૂરી શક્યતા હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી શૈલેષ ગમારે અગાઉ એક માસૂમ બાળકીને પણ 1 લાખ રૂપિયામાં વેચી હતી, જે અંગે હાલ તપાસ ચાલુ છે. હાલમાં આ બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →