બનાસકાંઠાને NALSA તરફથી MUV મળ્યું:ગ્રામ્ય વિસ્તારોમાં મફત કાનૂની સહાયનો પ્રસાર થશે
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA), નવી દિલ્હી દ્વારા બનાસકાંઠા જિલ્લાને એક અત્યાધુનિક 'મલ્ટી-યુટિલિટી વ્હીકલ' (MUV) ફાળવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મારફતે આ વાહન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠાને સુપરત કરાયું છે. આ વાહનનો મુખ્ય ઉદ્દેશ્ય કાનૂની જાગૃતિ અભિયાનને વેગ આપવાનો અને કાનૂની પ્રવૃત્તિઓને જિલ્લાના છેવાડાના અને દુર્ગમ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવાનો છે. આ પહેલ અંતરિયાળ વિસ્તારોમાં વસતા નાગરિકો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. MUV ના માધ્યમથી લોકોને તેમના પાયાના કાનૂની અધિકારો, સરકારની મફત કાનૂની સહાયની વિવિધ યોજનાઓ અને લોક અદાલતના ફાયદાઓ વિશે સ્થળ પર જ વિગતવાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ વાહન આધુનિક પ્રસાર સુવિધાઓથી સજ્જ હોવાથી, ફિલ્ડમાં કાનૂની જાગૃતિ શિબિરોનું આયોજન વધુ અસરકારક બનશે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં આ વાહન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભ્રમણ કરશે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી બનાસકાંઠાના નાગરિકોને ઘરઆંગણે જ કાયદાકીય માર્ગદર્શન સરળતાથી મળી રહેશે, જે લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવશે, તેમ સચિવ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.
Read Original Article →