બનાસકાંઠા LCBએ દારૂની હેરાફેરી ઝડપી પાડી:બોલેરો કેમ્પરના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 624 બોટલ અને બિયરનો જથ્થો મળી આવ્યો
બનાસકાંઠા LCBએ છાપી-સિદ્ધપુર હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. એક બોલેરો કેમ્પર ડાલામાંથી ગુપ્ત ખાનામાં છુપાવેલો રૂ. 1.81 લાખનો દારૂ અને બિયર જપ્ત કરાયો છે. વાહન સહિત કુલ રૂ. 5.36 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS) અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે (IPS) દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન સરહદેથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી કરવા અલગ-અલગ ટીમોનું ગઠન કરાયું હતું. આ સૂચનાના આધારે, LCB પાલનપુરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીની ટીમોને દારૂબંધી બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી કાર્યવાહી કરવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. LCB ટીમના ASI યશવંતસિંહ દેવીસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, છાપીથી સિદ્ધપુર જતા નેશનલ હાઈવે પરથી બોલેરો કેમ્પર ડાલામાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી થશે. આ બાતમીના આધારે, તેનીવાડા ગામ નજીક હાઈવે રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બોલેરો કેમ્પર ડાલાના ચાલક કાંતિભાઈ મગાભાઈ સોલંકી (રહે. ધાનેરા, કોટડાવાસ)ના કબજામાંથી ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 624 બોટલ અને બિયર મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂ અને બિયરની કિંમત ₹1,81,234 હતી. વાહન સહિત કુલ ₹5,36,234નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી કાંતિ સોલંકી સામે છાપી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →