પત્નીમાં રસ ના રહેતા મિત્રોને 50 હજારમાં વેચી દીધી:મારી નાખવાની ધમકી આપી 7 દિવસ ગોંધી રાખી; ગળાના દાગીના ઉતારી દુષ્કર્મ ગુજાર્યો; કાળજું કંપાવી દેતી ઘટના
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પતિ-પત્નીના સંબંધોને લજવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ પોતાના મિત્રો સાથે મળીને પત્નીને વેચી નાખી હતી. આ કૃત્ય પર પડદો પાડવા માટે તેણે પોતે જ પોલીસ મથકે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે અને પોલીસે મુખ્ય આરોપી પતિ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. છૂટાછેડા શક્ય ન હોવાથી પત્નીને વેચી દીધી
ઘટનાની વિગત એવી છે કે, મૂળ ધાનેરાના અનાપુરગઢ ગામનો વતની અને હાલ પાલનપુરના સુખબાગ રોડ ખાતે રહેતો નિકેશ વનાભાઈ પટેલ પોતાની પત્નીને પસંદ કરતો ન હતો. સામાજિક રીતે છૂટાછેડા શક્ય ન હોવાથી તેણે પત્નીથી પીછો છોડાવવા એક પ્લાન બનાવ્યો. 11 મે 2026ના રોજ નિકેશે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જઈને પત્ની ગુમ થઈ હોવાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી. પતિ-પત્ની બંને ગુમ થતા પોલીસને શંક ગઈ
જોકે તેના બે દિવસ પછી, એટલે કે 13 મે 2026ના રોજ ખુદ નિકેશ પણ ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ તેના પિતાએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. એક જ પરિવારના બે સભ્યો રહસ્યમય રીતે ગુમ થતાં રેન્જ IG અને જિલ્લા પોલીસ વડાના આદેશથી પાલનપુર પશ્ચિમના PI આર. કે. પટેલ અને તેમની ટીમે આ મામલે ખૂબ જ ઝીણવટપૂર્વક અને ટેકનિકલ તપાસ શરૂ કરી. ₹50 હજારમાં સોદો અને 7 દિવસ ગોંધી રાખી
પોલીસે સૌપ્રથમ પતિ નિકેશ પટેલને શોધી કાઢ્યો હતો. કડક પૂછપરછ અને ટેકનિકલ પુરાવા સામે તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે પીડિત મહિલાને પણ હેમખેમ શોધી કાઢી હતી. પોલીસ દ્વારા મળેલા કાયદાકીય આશ્વાસન બાદ પીડિતાએ જે આપવીતી જણાવી તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પીડિતાની ચોંકાવનારી આપવીતી
મુખ્ય આરોપી નિકેશ પટેલે તેના મિત્રો સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન ઠાકોર સાથે મળીને પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. નિકેશે પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ₹50,000માં તેને પોતાના મિત્રોને વેચી દીધી હતી. આરોપીઓ પીડિતાને અજાણી જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેને 7 દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. આ આરોપીઓએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હતો અને તેના કાનની સોનાની બુટ્ટીઓ પણ લૂંટીને અન્ય જગ્યાએ વેચી દીધી હતી. આ કાવતરામાં મદદ માટે આરોપીઓએ ડીસાની હીના ઠાકોર અને ટીનાજી ઠાકોરનો પણ સંપર્ક કર્યો હતો. ઝડપાયેલા 7 આરોપીઓના નામ
નિકેશ વનાભાઈ પટેલ (મુખ્ય આરોપી - પતિ, પાલનપુર)
સ્વરૂપ અમરતભાઈ ઠાકોર (થરાદ)
શૈલેષકુમાર ઉર્ફે સંજય હેમરાજભાઈ ઠાકોર (પાલનપુર)
સચિન મંગળસિંહ ઠાકોર (પાલનપુર)
અશોક ઠાકોર (પાલનપુર)
હિના ટીનાજી ઠાકોર (ડીસા)
ટીનાજી મથુરજી ઠાકોર (ડીસા) આરોપીએ પહેલાં પણ બે પરિણીતાને ફસાવી: DYSP
DYSP જે. જે. ગામીતે જણાવ્યું કે, મુખ્ય આરોપી નિકેશ પટેલ રીઢો ગુનેગાર છે અને વિકૃત માનસિકતા ધરાવે છે. તેના વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોકર ચોરીનો ગુનો નોંધાયેલો છે. પોતે પરણિત હોવા છતાં, ભૂતકાળમાં અન્ય સમાજની બે પરણિત યુવતીઓને ફોસલાવીને ભગાડી ગયો હતો. આ અંગે પણ પોલીસ હાલ રેકોર્ડ પર વિગતો લઈને ઊંડી તપાસ કરી રહી છે. હાલમાં આ કેસના તમામ ટેકનિકલ પુરાવા અને પંચનામાની કાયદેસરની કાર્યવાહી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે.
Read Original Article →