બનાસકાંઠામાં નેચરલ ફાર્મિંગ હેઠળ 61% કામગીરી પૂર્ણ:ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, BRC યુનિટ સક્રિય
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે બનાસકાંઠા જિલ્લામાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) હેઠળ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી ડિસ્ટ્રિક્ટ લેવલ મોનીટરીંગ કમિટી (DLMC)ની બેઠકમાં યોજનાની અમલવારી અને પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તાજેતરની સમીક્ષા મુજબ, NMNF યોજના અંતર્ગત જિલ્લામાં કુલ 61 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જિલ્લામાં 18 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર (BRC) યુનિટ સ્થાપિત કરવામાં આવ્યા છે. વધુમાં, 62 કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP)ની નિમણૂક કરવામાં આવી છે, જે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા માટે ગ્રામ પંચાયત કક્ષાએ કુલ 186 જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રયાસોના પરિણામે, યોજનાના 31 ક્લસ્ટરમાં કુલ 3875 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનો અમલ શરૂ કર્યો છે. ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપવા માટે જિલ્લામાં 35 ઓરિએન્ટેશન કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2026-27 માટેની કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ આગામી વર્ષ માટે 3938નો ભૌતિક લક્ષ્યાંક અને રૂ. 192.20 લાખની નાણાકીય ફાળવણી કરવામાં આવી છે, જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં કાર્યરત બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર (BRC) યુનિટ્સ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ યુનિટ્સ દ્વારા અંદાજિત 6000 લીટર જીવામૃત અને 5000 કિલોગ્રામ ઘન જીવામૃતનું વેચાણ થઈ રહ્યું છે, જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સામગ્રી પૂરી પાડે છે.
Read Original Article →