બનાસકાંઠામાં વિકસિત ભારત@2047 કાર્યક્રમોની તૈયારીઓ શરૂ:કલેક્ટર મિહિર પટેલે જનભાગીદારી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો
બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત@2047 અને વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે વ્યાપક કાર્યક્રમોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા 5 જૂન, 2026 થી 21 જૂન, 2026 દરમિયાન રાજ્યભરમાં જનકલ્યાણલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે વિકસિત ભારતના સંકલ્પને લોકભાગીદારી દ્વારા સાકાર કરવા અને વિકસિત ગુજરાતના ધ્યેયને જનઆંદોલનનું સ્વરૂપ આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને છેવાડાના લાભાર્થીઓ સુધી સીધો સંપર્ક સાધી જનભાગીદારી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમો અંતર્ગત જિલ્લામાં "એક પેડ માં કે નામ" વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથ યાત્રા, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિરો અને પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કલેક્ટરએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતનો સંકલ્પ ત્યારે જ સફળ બની શકે જ્યારે સામાન્ય નાગરિકો તેની સાથે સક્રિય રીતે જોડાય. તેમણે અધિકારીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ અને છેવાડાના વર્ગ સુધી પહોંચાડવા વિશેષ પ્રયાસો કરવા સૂચના આપી હતી. ગામડાંથી લઈને શહેર સુધી વ્યાપક જનજાગૃતિ ફેલાવી દરેક વ્યક્તિને આ અભિયાનનો ભાગીદાર બનાવવા લોકસંપર્ક અને પ્રચાર-પ્રસારની કામગીરી વધુ સઘન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિકસિત ભારત@2047નો સંકલ્પ માત્ર સરકારી કાર્યક્રમ ન રહી જનઆંદોલન બને તે માટે તમામ વિભાગોએ સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે. જિલ્લા કલેક્ટરએ તમામ વિભાગોને આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવા, કાર્યક્રમોમાં મહત્તમ જનસહભાગિતા સુનિશ્ચિત કરવા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સુધી સીધો સંપર્ક સાધવા સૂચના આપી હતી. કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે વિવિધ કાર્યક્રમદીઠ જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. કલેક્ટરએ નોડલ અધિકારીઓને વિભાગીય સ્તરે નિયમિત સમીક્ષા કરી કામગીરીનું સતત મોનિટરિંગ કરવા અને સમયસર અહેવાલ રજૂ કરવાની સૂચના આપી હતી. તેમણે લોકભાગીદારીને કેન્દ્રસ્થાને રાખી વિકસિત ભારત@2047 અને વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સર્વાંગી પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
Read Original Article →