બનાસકાંઠામાં 'ધરતી આબા અભિયાન'નો પ્રારંભ:167 આદિવાસી ગામોના સર્વાંગી વિકાસ માટે કલેક્ટરે શરૂઆત કરાવી
બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે 'ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પાલનપુર ખાતેથી આ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અંતર્ગત બૃહદ બનાસકાંઠા જિલ્લાના 167 આદિવાસી બહુલતા ધરાવતા ગામોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ અભિયાન 'સબસે દૂર, સબસે પહલે'ના મંત્ર સાથે જનભાગીદારી દ્વારા ચલાવવામાં આવશે. બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સરકારી સેવાઓ ઘરઆંગણે પહોંચાડવાનો તેનો મુખ્ય ઉદ્દેશ છે. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ તા. 18 મે થી 25 મે દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ક્લસ્ટરવાઇઝ કાર્યક્રમો યોજાશે. આગામી 25 મે 2026 સુધીમાં આદિવાસી વિસ્તારમાં કુલ 21 થી વધુ કેમ્પનું આયોજન કરાશે. તેમણે સ્થાનિક નાગરિકોને આ સેચ્યુરેશન કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે આ વિશેષ 'ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન' શરૂ કરાયું છે. બૃહદ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓ પૂરી પાડવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
Read Original Article →