બનાસકાંઠામાં સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક:કલેકટર મિહિર પટેલે પ્રશ્નો ઝડપી ઉકેલવા સૂચના આપી
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા વિવિધ વિભાગોના પ્રશ્નો અને તેના અધિકારીઓના જવાબો પર ચર્ચા થઈ હતી. કલેકટર મિહિર પટેલે વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિનો અહેવાલ મેળવી સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંબંધિત વિભાગો અને અધિકારીઓ સાથે સંકલન સાધી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. કલેકટરે જણાવ્યું કે, જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળે અને તમામ કાર્યો સમયસર પૂર્ણ થાય તે જરૂરી છે. તેમણે પ્રજાના પ્રશ્નો તાકીદે ઉકેલવા અને વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચન કર્યું. પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંબંધિત વિભાગોને ઝાડી-ઝાંખરા દૂર કરવા અને પાણી ભરાતા હોય તેવા સ્થળોએ પૂર્વ તૈયારીઓ કરવા જણાવાયું. આ ઉપરાંત, પાણી પુરવઠા, વન વિભાગ, રોડ-રસ્તા અને તાલુકા કક્ષાએ મંજૂર થયેલા નવા એસ.ટી. બસ સ્ટેશનની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા પણ સૂચના અપાઈ હતી. આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, પોલીસ વડા પ્રશાંત સુમ્બે, અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →